News of Sunday, 15th February 2026
સરહદ પર 'ડ્રગ્સ સર્જિકલ સ્ટ્રાઈક': પાકિસ્તાનનું ૪૦ કરોડનું હેરોઈન જપ્ત, ડ્રોન કાવતરું નિષ્ફળ
BSF અને પોલીસનું સંયુક્ત ઓપરેશન; ખેતરોમાં ડ્રોન દ્વારા ફેંકાયેલા માદક પદાર્થો પકડી પાડી 'નાર્કો-ટેરર' પર મોટો પ્રહાર

જમ્મુ: પાકિસ્તાને ભારત વિરુદ્ધ હવે 'નાર્કો-ટેરરિઝમ' એટલે કે નશાના આતંકવાદનો નવો મોરચો ખોલ્યો છે, પરંતુ ભારતીય સુરક્ષા દળોની સતર્કતાએ તેના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. જમ્મુના આર.એસ. પુરા સેક્ટરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને સ્થાનિક પોલીસે એક સંયુક્ત કાર્યવાહીમાં ૬.૫ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે ૪૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા સરહદી ગામોના ખેતરોમાં આ માદક પદાર્થો ફેંકવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય ભારતીય યુવાધનને નશાની ગર્તામાં ધકેલવાનો અને તેમાંથી મળતા પૈસાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવાનો હતો.
ઘટનાની વિગતો મુજબ, ૧૩ અને ૧૪ ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ જમ્મુના આકાશમાં શંકાસ્પદ ડ્રોન હિલચાલ જોવા મળી હતી. સતર્ક સુરક્ષા દળોએ તરત જ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન આર.એસ. પુરાના બસપુર વિસ્તારમાં આવેલા નઈ બસ્તી કરોખાના ગામના એક ખેતરમાંથી પીળા રંગના બે શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. જ્યારે આ પેકેટો ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી શુદ્ધ હેરોઈન મળી આવ્યું હતું. આ જપ્તીને તાજેતરના સમયમાં માદક પદાર્થો વિરુદ્ધની સૌથી મોટી અને સફળ કાર્યવાહી માનવામાં આવે છે.
આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી છે કે આ ડ્રગ્સની ડિલિવરી લેવા માટે કોણ આવવાનું હતું. પાકિસ્તાન હવે સીધી લડાઈમાં હારી રહ્યું હોવાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરહદ પારથી ઝેર મોકલી રહ્યું છે, પરંતુ BSF ની ૧૬૫મી બટાલિયન અને સ્થાનિક પોલીસના અભેદ્ય કિલ્લાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારતની સુરક્ષામાં ગાબડું પાડવું અશક્ય છે. સરહદી વિસ્તારોમાં અત્યારે હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ સક્રિય કરી દેવામાં આવી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
