News of Sunday, 15th February 2026
ઈરાનની આર્થિક કમર તોડવા ટ્રમ્પ અને નેતન્યાહુની રણનીતિ : ચીનને થતા ઓઈલ વેચાણ પર પ્રતિબંધ મુકવા અમેરિકા ‘મેક્સિમમ પ્રેશર’નો ઉપયોગ કરશે
વ્હાઈટ હાઉસની બેઠકમાં ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવવા પર સહમતી : અમેરિકા ઈરાન પર લાંબા ગાળાના સૈન્ય હુમલાની તૈયારીમાં હોવાના અહેવાલ અને ઓમાનના માધ્યમથી ન્યુક્લિયર મંત્રણાનો પણ દોર જારી

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઈરાનને ઘેરવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી સાધવામાં આવી છે. એક્સિઓસ (Axios) ના અહેવાલ મુજબ, બંને નેતાઓએ નિર્ણય લીધો છે કે અમેરિકા હવે ઈરાન દ્વારા ચીનને કરવામાં આવતા તેલના નિકાસને રોકવા માટે તમામ શક્તિ લગાવી દેશે. આ વ્યૂહાત્મક પગલાનો હેતુ ઈરાનની આવકના મુખ્ય સ્ત્રોતને ઠપ્પ કરી તેના પર આર્થિક દબાણ વધારવાનો છે.
ચીનને થતા નિકાસ પર નિશાન
ઈરાન દ્વારા નિકાસ કરવામાં આવતા કુલ તેલનો ૮૦ ટકાથી વધુ હિસ્સો એકલું ચીન ખરીદે છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ સરકાર હવે ઈરાન પર ‘મેક્સિમમ પ્રેશર’ (મહત્તમ દબાણ) ની નીતિ હેઠળ ચીન સાથેના તેલના વેપારને લક્ષ્ય બનાવશે. જો આ વેપારમાં ઘટાડો થાય, તો ઈરાનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે. ટ્રમ્પ પ્રશાસન ઈરાનના તેલ વેચાણને શૂન્ય પર લાવવા માટે આક્રમક રણનીતિ ઘડી રહ્યું છે.
સૈન્ય કાર્યવાહીની સંભાવના અને નૌકાદળની તૈનાતી
એક તરફ આર્થિક પ્રતિબંધોની વાત ચાલી રહી છે, તો બીજી તરફ અમેરિકા ઈરાન સામે સૈન્ય વિકલ્પ પણ ખુલ્લો રાખી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ મંજૂરી આપે, તો અમેરિકા ઈરાન વિરુદ્ધ અઠવાડિયાઓ સુધી ચાલી શકે તેવા લાંબા સૈન્ય અભિયાન માટે પણ તૈયાર છે. અમેરિકાએ આ વિસ્તારમાં પહેલેથી જ નૌકાદળનો કાફલો તૈનાત કરી દીધો છે, જે કોઈ પણ કટોકટીની સ્થિતિમાં કાર્યવાહી કરવા માટે સજ્જ છે.
ન્યુક્લિયર ટૉક્સ અને વિરોધ પક્ષનો સૂર
સૈન્ય તૈનાતીની વચ્ચે, રાજદ્વારી માર્ગો પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ગત સપ્તાહે ઓમાનના મધ્યસ્થીઓ દ્વારા અમેરિકા અને ઈરાનના રાજદ્વારીઓ વચ્ચે પરમાણુ મંત્રણા યોજાઈ હતી, જેથી તણાવ ઓછો કરી શકાય. બીજી તરફ, મ્યુનિકમાં ઈરાની વિરોધ પક્ષના નેતા રેઝા પહેલવીએ અમેરિકાની સંભવિત સૈન્ય કાર્યવાહીને સમર્થન આપતા જણાવ્યું હતું કે, આવી કાર્યવાહી ભવિષ્યમાં થનારા મોટા રક્તપાતને રોકી શકે છે.
મધ્ય પૂર્વમાં વધતા જતા આ તણાવ વચ્ચે ટ્રમ્પ અને નેતન્યાહુની આ સમજૂતી વૈશ્વિક તેલ બજાર અને ભૌગોલિક રાજનીતિ પર મોટી અસર પાડી શકે તેમ છે. અમેરિકા હવે ઈરાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડવા માટે પોતાની તમામ રાજદ્વારી અને સૈન્ય શક્તિનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ દેખાય છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
