<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

૩૦ લાખ પાના, ૨૦૦૦ વીડિયો અને આંતરરાષ્ટ્રીય પાપનું સામ્રાજ્ય: જેફરી એપ્સ્ટિનની ગુપ્ત ફાઈલોએ દુનિયાને હચમચાવી દીધી

નકલી લગ્ન અને વિઝાના બહાને મહિલાઓને 'કેદ' કરવાની ભયાનક પદ્ધતિઓનો ખુલાસો; ૧.૮૦ લાખ તસવીરોમાં છુપાયેલા છે અનેક શક્તિશાળી ચહેરાઓના રાઝ

નવી દિલ્હી/ન્યૂયોર્ક: અમેરિકાના કુખ્યાત સેક્સ અપરાધી જેફરી એપ્સ્ટિનના મૃત્યુના વર્ષો પછી પણ તેના પાપના ઘડા ફૂટવાનું ચાલુ છે. અમેરિકન ન્યાય વિભાગે ફેબ્રુઆરી ૨૦૨૬માં ૩૦ લાખ પાનાની જે ગુપ્ત ફાઈલો જાહેર કરી છે, તેણે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને હસ્તીઓની ઊંઘ ઉડાવી દીધી છે. આ માત્ર કાગળો નથી, પણ એપ્સ્ટિનના એ 'ડેથ આઈલેન્ડ' અને રહસ્યમય બંગલાઓમાં ચાલતા કાળા કારોબારનો જીવંત પુરાવો છે. આ દસ્તાવેજોમાં ૧.૮૦ લાખ જેટલી વિવાદાસ્પદ તસવીરો અને ૨૦૦૦ થી વધુ વીડિયો ક્લિપ્સ છે, જે એપ્સ્ટિનના શિકાર બનેલી મહિલાઓની લાચારી અને તેના નેટવર્કની ક્રૂરતાની ગવાહી આપે છે.

આ નવા ઘટસ્ફોટમાં સૌથી ચોંકાવનારી બાબત એપ્સ્ટિનની 'ઓપરેટિંગ સિસ્ટમ' છે. તે મહિલાઓને માત્ર પૈસાની લાલચ જ નહીં, પરંતુ 'સ્ટુડન્ટ વિઝા' અને 'નકલી લગ્ન' જેવા કાયદાકીય ફાંદામાં ફસાવતો હતો. એકવાર મહિલા તેના જાળમાં ફસાઈ જાય, પછી તેને કાયદાકીય રીતે કેદ કરી લેવામાં આવતી હતી જેથી તે ક્યારેય બહાર ન જઈ શકે. આ ભયાનક ષડયંત્રમાં તેના ખાસ મદદનીશ લેસ્લી ગ્રોફ, એકાઉન્ટન્ટ રિચાર્ડ કાહન અને વકીલ ડેરેન ઇન્ડાઇક જેવી વ્યક્તિઓએ 'પડદા પાછળના સૂત્રધાર' તરીકે કામ કર્યું હોવાના પુરાવા મળ્યા છે. આ લોકો કાગળ પર બધું જ 'લીગલ' બતાવીને ગેરકાયદેસર અને અમાનવીય કૃત્યોને અંજામ આપતા હતા.

આ ફાઈલો જાહેર થયા પછી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એ ચર્ચા શરૂ થઈ છે કે આ લિસ્ટમાં ભારત સહિત અન્ય કયા દેશોના 'મોટા માથાઓ' સામેલ છે. એપ્સ્ટિનના ખાનગી વિમાન 'લોલિતા એક્સપ્રેસ'માં મુસાફરી કરનારા અને તેના ટાપુની મુલાકાત લેનારા મહેમાનોના નામ હવે સાર્વજનિક થવાની બીકે અનેક દિગ્ગજો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. માનવ તસ્કરી અને શારીરિક શોષણના આ સૌથી મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયા પછી, પીડિતાઓને ન્યાય મળવાની આશા ફરી જાગી છે. આ તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વિસ્ફોટક વિગતો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.

(11:50 AM IST)