News of Sunday, 15th February 2026
મ્યુનિકમાં પાક. આર્મી ચીફનું સરેઆમ અપમાન: સુરક્ષા ગાર્ડે અસીમ મુનીરને ગેટ પર રોકી દીધા, પૂછ્યું- "તમારું આઈડી કાર્ડ બતાવો"
ઈન્ટરનેશનલ સ્ટેજ પર જનરલ મુનીરની ફજેતીનો વીડિયો વાયરલ; બહાર સિંધી સંગઠનોએ પાકિસ્તાન વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી માનવાધિકાર ઉલ્લંઘનનો મુદ્દો ગજવ્યો

મ્યુનિક/નવી દિલ્હી: પાકિસ્તાનમાં પોતાની જાતને સર્વોપરી માનતા આર્મી ચીફ અસીમ મુનીરને વિદેશની ધરતી પર કડવો અનુભવ થયો છે. જર્મનીના મ્યુનિકમાં પ્રતિષ્ઠિત 'મ્યુનિક સુરક્ષા પરિષદ'માં હાજરી આપવા પહોંચેલા પાકિસ્તાની જનરલને એન્ટ્રી ગેટ પર જ સામાન્ય મુસાફરની જેમ રોકી દેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, જર્મન સુરક્ષા ગાર્ડે જનરલ મુનીરને અટકાવીને તેમનું ઓળખપત્ર (ID Card) તપાસ્યું હતું. એટલું જ નહીં, ગાર્ડે કડક શબ્દોમાં મુનીરને તેમનું આઈડી કાર્ડ આગળ ફેરવીને બતાવવા કહ્યું, જાણે તેઓ કોઈ અજાણ્યા વ્યક્તિ હોય. આ ઘટનાએ પાકિસ્તાની સેનાના અહંકારને આંતરરાષ્ટ્રીય મંચ પર ઠેસ પહોંચાડી છે.
જનરલ મુનીર માટે મુસીબતો અહીં જ પૂરી નહોતી થઈ. પરિષદ સ્થળની બહાર જર્મની સ્થિત સિંધી રાજકીય સંગઠન 'જેય સિંધ મુત્તાહિદા મહાઝ' (JSMM) ના કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન આર્મી દ્વારા સિંધ અને બલૂચિસ્તાનમાં કરવામાં આવતા અત્યાચારો અને માનવાધિકાર ઉલ્લંઘનના પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા. JSMM પ્રમુખ શફી બુરફતે વૈશ્વિક નેતાઓને અપીલ કરી હતી કે, જે વ્યક્તિના હાથ પોતાના જ નાગરિકોના લોહીથી ખરડાયેલા હોય તેને આવા શાંતિ મંચ પર સ્થાન ન મળવું જોઈએ. સિંધી કાર્યકરોના ઉગ્ર વિરોધને કારણે પાકિસ્તાની પ્રતિનિધિમંડળને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું.
મ્યુનિક સુરક્ષા પરિષદ એ વિશ્વના સૌથી મોટા સુરક્ષા નિષ્ણાતો અને રાષ્ટ્રાધ્યક્ષોનું પ્લેટફોર્મ છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સંઘર્ષો ઉકેલવા પર ચર્ચા થાય છે. પરંતુ આ વખતે આ પરિષદ પાકિસ્તાન માટે 'સુરક્ષા સંવાદ' કરતાં વધુ 'સાર્વજનિક અપમાન'નું કેન્દ્ર બની ગઈ છે. એક તરફ ઘરેલું રાજકારણમાં મુનીર અને શાહબાઝ સરકારની પકડ નબળી પડી રહી છે, ત્યારે બીજી તરફ વિદેશમાં સુરક્ષા ગાર્ડ દ્વારા આઈડી કાર્ડ માંગવાની આ નાનકડી પણ સૂચક ઘટનાએ પાકિસ્તાની સેનાની વૈશ્વિક પ્રતિષ્ઠાના લીરેલીરા ઉડાડી દીધા છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
