<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ભોજશાલા વિવાદ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે હાઈકોર્ટમાં 'મહાજંગ', શું ૧૬ ફેબ્રુઆરીએ આવશે નિર્ણાયક વળાંક?

ASIના ૯૮ દિવસના સર્વે બાદ ઈન્દોર બેન્ચ સમક્ષ થશે દલીલોનો વરસાદ; દેશભરની નજર આ મહત્વની સુનાવણી પર

ઈન્દોર: ધાર સ્થિત ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાલા મામલે હવે કાયદાકીય લડાઈ તેના નિર્ણાયક તબક્કે પહોંચી હોય તેમ જણાય છે. આગામી સોમવાર, ૧૬ ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચમાં આ કેસની અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના વિશેષ નિર્દેશ બાદ ગઠિત કરવામાં આવેલી ન્યાયાધીશ વિજય કુમાર શુક્લા અને ન્યાયાધીશ આલોક અવસ્થીની ડિવિઝન બેન્ચ સમક્ષ આ કેસ ૬૨મા ક્રમે લિસ્ટ થયો છે. આ સુનાવણીમાં હિન્દુ પક્ષ તરફથી જાણીતા વકીલ વિષ્ણુ શંકર જૈન અને વિનય જોશી ધારદાર દલીલો રજૂ કરવા માટે સજ્જ છે.

આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ સંવેદનશીલ રિટ પિટિશનની સુનાવણી હાઈકોર્ટની વરિષ્ઠ બેન્ચ દ્વારા જ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) દ્વારા ભોજશાલા પરિસરમાં સતત ૯૮ દિવસ સુધી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેનો રિપોર્ટ અને તેના આધારે નક્કી થનારો સ્થળનો 'ધાર્મિક સ્વભાવ' (Religious Character) આવનારા દિવસોમાં આ વિવાદનો અંત લાવી શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટે હાલ પૂરતું સ્પષ્ટ કર્યું છે કે અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી ભોજશાલાના ભૌતિક માળખામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં અને ૨૦૦૩નો વ્યવસ્થાપક આદેશ યથાવત રહેશે.

સ્થાનિક સ્તરે અને રાષ્ટ્રીય ફલક પર આ મુદ્દો અત્યંત સંવેદનશીલ હોવાથી, ૧૬ ફેબ્રુઆરીની સુનાવણી પર માત્ર અરજદારો જ નહીં પરંતુ સામાન્ય જનતાની પણ નજર છે. શું કોર્ટ આ પુરાવાઓના આધારે કોઈ મોટો આદેશ આપશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે.

(2:05 PM IST)