<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

રશિયન તેલ પર ભારત ઝૂકશે? મ્યુનિકમાં એસ. જયશંકરનો પશ્ચિમી દેશોને સણસણતો જવાબ

અમેરિકાના દાવાઓ વચ્ચે ભારતની 'સ્ટ્રેટેજિક ઓટોનોમી' અકબંધ; ૧૪૦ કરોડ જનતાનું હિત જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા

મ્યુનિક: વૈશ્વિક રાજનીતિના મંચ પર જ્યારે પણ ભારત, રશિયા અને અમેરિકાના હિતો ટકરાય છે, ત્યારે આખી દુનિયાની નજર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પર ટકેલી હોય છે. તાજેતરમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં તેમણે ફરી એકવાર સાબિત કરી દીધું કે ભારત કોઈના દબાણમાં આવીને પોતાના નિર્ણયો લેતું નથી. અમેરિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરવા સંમત થયું છે, પરંતુ જયશંકરે આ દાવાઓ વચ્ચે ભારતની "વ્યૂહાત્મક સ્વાયત્તતા" (Strategic Autonomy) નો મજબૂત પક્ષ રાખીને પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો છે.

જયશંકરે અત્યંત તાર્કિક રીતે સ્પષ્ટ કર્યું કે ભારતની ઉર્જા નીતિ કોઈ સત્તા કે દેશના ઇશારે નહીં, પરંતુ બજારની કિંમત, ઉપલબ્ધતા અને રાષ્ટ્રીય જોખમોના આધારે નક્કી થાય છે. તેમણે યુરોપિયન દેશોની બેવડી નીતિ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, ભારત આખા મહિનામાં રશિયા પાસેથી જેટલું તેલ ખરીદે છે, તેનાથી વધુ તો યુરોપ માત્ર એક દિવસમાં ખરીદી લે છે. ભારત અત્યારે અમેરિકા પાસેથી પણ ૧૧% વધુ તેલની આયાત કરી રહ્યું છે, જેનો અર્થ એ છે કે ભારત કોઈ એક દેશ પર નિર્ભર રહેવાને બદલે તેના સોર્સિંગનું વૈવિધ્યકરણ કરી રહ્યું છે. ટૂંકમાં, ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે કે નહીં, તેનો નિર્ણય દિલ્હીમાં લેવાશે, વોશિંગ્ટન કે લંડનમાં નહીં.

ભારત પોતાની ૧.૪ અબજ જનતાની ઉર્જા સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. જયશંકરનો આ આત્મવિશ્વાસપૂર્ણ પ્રતિભાવ એ વાતનો પુરાવો છે કે નવું ભારત પોતાની વિદેશ નીતિમાં હવે રક્ષણાત્મક નહીં પણ આક્રમક અને સ્પષ્ટવક્તા બન્યું છે. ભલે તેલની રમત ભૂ-રાજકીય હોય, પણ ભારત માટે તે સંપૂર્ણપણે જનહિત અને આર્થિક ગણતરીનો વિષય છે.

(2:17 PM IST)