<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

સીરિયામાં અમેરિકાનું રૌદ્ર સ્વરૂપ: ઇસ્લામિક સ્ટેટના અડ્ડાઓ પર મિસાઈલોનો વરસાદ, ૨ અઠવાડિયામાં ૧૦ સર્જિકલ સ્ટ્રાઈક

CENTCOM ના ભયાનક હવાઈ હુમલામાં ૩૦ થી વધુ આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત; ૫૦ થી વધુ ખૂંખાર જેહાદીઓનો સફાયો

વોશિંગ્ટન/દમાસ્કસ: મિડલ ઈસ્ટના રણમેદાનમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકન સૈન્યએ સીરિયામાં સક્રિય આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી ઓપરેશનલ કાર્યવાહી તેજ કરી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા શનિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે છેલ્લા બે અઠવાડિયામાં અમેરિકી વાયુસેનાના ફાઈટર જેટ્સે સીરિયામાં ૧૦ પ્રચંડ હવાઈ હુમલા કરીને આતંકીઓના ૩૦ થી વધુ વ્યૂહાત્મક લક્ષ્યોને નામશેષ કરી દીધા છે. આ હુમલામાં IS ના શસ્ત્ર ભંડારો, કમાન્ડ સેન્ટરો અને લોજિસ્ટિક્સ નેટવર્કને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ સૈન્ય કાર્યવાહી ગયા વર્ષે અમેરિકી જવાનો પર થયેલા હુમલાનો વળતો જવાબ માનવામાં આવે છે, જેમાં બે સૈનિકો અને એક નાગરિકે જીવ ગુમાવ્યો હતો. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ 'ક્લીન-અપ' ઓપરેશનમાં અત્યાર સુધીમાં ૫૦ થી વધુ આતંકીઓ માર્યા ગયા છે અથવા પકડાયા છે. એટલું જ નહીં, સુરક્ષાના કારણોસર હજારો IS કેદીઓને સીરિયાથી ખસેડીને ઇરાકની હાઈ-સિક્યોરિટી અલ-કાર્ખ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એડમિરલ બ્રેડ કૂપરે આ ઓપરેશનને પ્રાદેશિક સુરક્ષા માટે અત્યંત મહત્વનું ગણાવ્યું છે. જોકે, સીરિયન સેનાએ પણ દાવો કર્યો છે કે તેમણે વ્યૂહાત્મક રીતે મહત્વના અલ્તાન્ફ બેઝ પર ફરીથી અંકુશ મેળવી લીધો છે, જે આ યુદ્ધને વધુ જટિલ બનાવી રહ્યું છે.

આ હવાઈ હુમલાઓ દ્વારા વોશિંગ્ટને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દુનિયાના કોઈપણ ખૂણે જો અમેરિકી હિતો પર આંચ આવશે, તો તેનો જવાબ મિસાઈલોથી આપવામાં આવશે. ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કુલ ૧૦૦ થી વધુ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવી અમેરિકાએ IS ને જડમૂળથી ઉખેડી ફેંકવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.

(2:19 PM IST)