News of Sunday, 15th February 2026
બુરખો, કંવર અને અતૂટ આસ્થા: તમન્ના મલિકની 'શિવભક્તિ' પાછળની ચોંકાવનારી કહાની
હરિદ્વારથી સંભલ સુધી 'હર હર મહાદેવ'નો નાદ; મન્નત પૂરી થતાં મુસ્લિમ યુવતીએ પોલીસ સુરક્ષા વચ્ચે કર્યો જલાભિષેક

સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આ દિવસોમાં એક જ નામની ચર્ચા છે – તમન્ના મલિક. સોશિયલ મીડિયા પર જ્યારે બુરખો પહેરીને ખભા પર કંવર લઈ જતી એક યુવતીનો વીડિયો વાયરલ થયો, ત્યારે આખા દેશમાં કુતૂહલ જાગ્યું હતું. તમન્નાએ આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, આ કોઈ દેખાડો નથી પણ તેની અતૂટ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. તેણે ભગવાન શિવ પાસે તેના પ્રેમી અમન ત્યાગી સાથે લગ્ન કરવાની બાધા (મન્નત) રાખી હતી. લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થતા, તમન્નાએ બુરખો પહેરીને જ હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લાવીને ભગવાન ભોળાનાથને અર્પણ કરવાનો નિર્ણય કર્યો.
આ યાત્રા તમન્ના માટે સરળ નહોતી. સંભલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં, જ્યાં ૮૫% વસ્તી મુસ્લિમ સમુદાયની છે, ત્યાં તમન્નાને શરૂઆતમાં વિરોધ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેના પતિ અમન ત્યાગીએ ડગલે ને પગલે તેનો સાથ આપ્યો. યાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસ અને PAC ના જવાનોએ તેને લોખંડી સુરક્ષા પૂરી પાડી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, રસ્તામાં મુસ્લિમ યુવાનોએ પણ તેની સાથે સેલ્ફી લીધી હતી અને અનેક હિન્દુ મહિલાઓએ તેના પગે લાગીને આશીર્વાદ લીધા હતા. વહીવટીતંત્ર દ્વારા તમન્ના પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
ભલે પગમાં ફોલ્લા પડ્યા હોય, પણ તમન્નાના મુખે માત્ર 'બમ બમ ભોલે'નો જાપ છે. તેણે અન્ય મહિલાઓને પણ સંદેશ આપ્યો કે જો મનમાં અતૂટ શ્રદ્ધા હોય તો કોઈ પણ બંધન નડતું નથી. મહાશિવરાત્રીના પાવન પર્વે સંભલના ઐતિહાસિક છૈમનાથ મંદિરમાં જલાભિષેક કરીને તમન્નાએ તેની આ કઠિન પણ ભક્તિમય યાત્રા પૂર્ણ કરી છે. આ ઘટના માત્ર એક વ્યક્તિની શ્રદ્ધાની વાત નથી, પરંતુ બદલાતા સામાજિક સમીકરણોનું પણ પ્રતીક બની રહી છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
