News of Sunday, 15th February 2026
T20 વર્લ્ડ કપમાં મહાજંગ : આજે ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મુકાબલો : ટીમ ઈન્ડિયામાં અભિષેક અને કુલદીપની એન્ટ્રી ફાઈનલ!
કોલંબોની સ્પિન ફ્રેન્ડલી પિચ પર પાકિસ્તાન પાંચ સ્પિનરો સાથે મેદાને ઉતરે તેવી શક્યતા : સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારત જીતનો સિલસિલો જાળવી રાખવા સજ્જ : સાંજે ૭ વાગ્યે થશે પ્રારંભ

કોલંબો : ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં આજે ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈવોલ્ટેજ મુકાબલો રમાશે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાનારી આ ગ્રુપ સ્ટેજની મેચમાં બંને ટીમો જીત માટે એડીચોટીનું જોર લગાવશે. ભારતીય સમય અનુસાર સાંજે ૬:૩૦ વાગ્યે ટોસ થશે અને ૭ વાગ્યે મેચની પ્રથમ બોલ ફેંકવામાં આવશે. આ મેચ પૂર્વે બંને ટીમોમાં મોટા ફેરફાર અને ચોંકાવનારી રણનીતિ જોવા મળી રહી છે.
ભારતીય ટીમમાં ફેરફાર: અભિષેક શર્માની વાપસી
ભારતીય પ્લેઈંગ-૧૧માં ઓપનિંગ જોડીમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. યુવા આક્રમક બેટ્સમેન અભિષેક શર્મા પેટમાં ઈન્ફેક્શનમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને તેણે નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. નામિબિયા સામેની મેચમાં ગેરહાજર રહેલો અભિષેક આજે મેદાને ઉતરે તે નક્કી છે, જેના કારણે સંજુ સેમસનને પ્લેઈંગ-૧૧માંથી બહાર બેસવું પડી શકે છે.
સ્પિનર્સનો દબદબો: કુલદીપ યાદવ ‘સરપ્રાઈઝ એન્ટ્રી’
કોલંબોની પિચ સ્પિનરોને મદદરૂપ હોવાથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચાઇનામેન બોલર કુલદીપ યાદવને ટીમમાં સ્થાન આપી શકે છે. જો કુલદીપ રમશે તો ઝડપી બોલર અર્શદીપ સિંઘને પડતો મૂકવામાં આવે તેવી શક્યતા છે. તેવામાં જસપ્રીત બુમરાહની સાથે હાર્દિક પંડ્યા નવી ગેંદથી બોલિંગની કમાન સંભાળશે. અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી સાથે કુલદીપની ત્રિપુટી પાકિસ્તાની બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે.
પાકિસ્તાનની ‘પાંચ સ્પિનર’ રણનીતિ
બીજી તરફ, પાકિસ્તાની ટીમે ભારતને પછાડવા માટે સ્પિન આક્રમણ પર ભરોસો મૂક્યો છે. પાકિસ્તાન શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, અબરાર અહેમદ, ઉસ્માન તારિક અને સેમ અયૂબ એમ કુલ પાંચ સ્પિન વિકલ્પો સાથે મેદાને ઉતરી શકે છે. રહસ્યમય સ્પિનર ઉસ્માન તારિક તેમનું મુખ્ય હથિયાર સાબિત થઈ શકે છે. પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ મેચ અંગેના દબાણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ એક મોટી જવાબદારી છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-૧૧:
* ભારત: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંઘ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ/અર્શદીપ સિંઘ.
* પાકિસ્તાન: સેમ અયૂબ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, ઉસ્માન તારિક અને અબરાર અહેમદ.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
