<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

૬૫ વર્ષનો વનવાસ અને આંખમાં હરખના આંસુ: ડાકુઓએ અપહરણ કરેલી દીકરી ૮૦ વર્ષની ઉંમરે પિયર પાછી ફરી

૧૯૬૧માં ડાકુઓ હરદોઈથી ઉપાડી ગયા હતા, અલીગઢમાં ઘર વસાવ્યું; આખરે છ દાયકા બાદ ભત્રીજાઓ અને પિયરની માટી સાથે થયું મિલન

હરદોઈ:ક્યારેક હકીકત કલ્પના કરતા પણ વધુ અદભૂત હોય છે. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક એવી ઘટના બની જેણે માનવીય સંબંધો અને આશાની શક્તિને નવો અર્થ આપ્યો છે. વર્ષ ૧૯૬૧-૬૨માં, જ્યારે ૧૫ વર્ષની કિશોરી મિથાનીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે ડાકુઓના એક હુમલાએ તેની આખી જિંદગી વેરવિખેર કરી નાખી હતી. લૂંટના ઈરાદે આવેલા ડાકુઓ પિતા-ભાઈને ઘાયલ કરી મિથાનીનું અપહરણ કરી જંગલોમાં લઈ ગયા હતા. આજે ૬૫ વર્ષ પછી, એ જ મિથાની ૮૦ વર્ષની વૃદ્ધાવસ્થામાં જ્યારે પોતાના પિયરના આંગણે પાછી ફરી, ત્યારે આખા ગામની આંખો ભીની થઈ ગઈ હતી.

મિથાનીની સંઘર્ષગાથા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. જંગલોમાં ભટક્યા બાદ તેને અલીગઢના એક શખ્સને વેચી દેવામાં આવી હતી, જ્યાં કુસ્તીબાજ સોહનલાલ યાદવે તેને ડાકુઓના ચુંગાલમાંથી છોડાવી તેની સાથે લગ્ન કર્યા હતા. મિથાનીએ ત્યાં આઠ બાળકો સાથે નવું ઘર વસાવ્યું, પણ હરદોઈના એ શિવ મંદિર અને પિયરની માટીની સુગંધ તે ક્યારેય ભૂલી શકી નહીં. તેની પુત્રી સીમા યાદવે માતાની આ અંતિમ ઈચ્છા પૂરી કરવાનું બીડું ઝડપ્યું અને અલીગઢથી હરદોઈ સુધીની શોધખોળ શરૂ કરી. માત્ર શિવ મંદિર અને ભાઈઓના નામની સ્મૃતિને સહારે તેઓ સકાહા ગામ પહોંચ્યા હતા.

જ્યારે મિથાની તેના ભાઈ શિવલાલના ઘરે પહોંચી, ત્યારે ખબર પડી કે તેના ભાઈઓ હવે જીવિત નથી, પણ તેમના પરિવારો ત્યાં જ રહે છે. ૬૫ વર્ષ પહેલાં અપહરણ થયેલી 'ફોઈ'ને અચાનક સામે જોઈને ભત્રીજાઓ અને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ૬ દાયકાના લાંબા અંતરાલ પછી મિથાનીએ જ્યારે પોતાના પિયરની ધૂળ માથે ચડાવી, ત્યારે વર્ષોનો વિરહ હરખના આંસુમાં વહી ગયો હતો. આ પુનઃમિલન સાબિત કરે છે કે સમય ગમે તેટલો બદલાય, પણ લોહીના સંબંધોની ઓળખ ક્યારેય ભૂંસાતી નથી.

(3:01 PM IST)