હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતનો 'ડેન્જર આઈલેન્ડ': જ્યાં ભારતીયોના જવા પર જ છે પ્રતિબંધ, પગ મૂકતા જ તીર-કામઠાથી થાય છે સ્વાગત
આંદામાનનો રહસ્યમય 'નોર્થ સેન્ટિનેલ ટાપુ' જ્યાં હજારો વર્ષોથી આદિમાનવોનું છે રાજ; બહારની દુનિયા સાથે સંપર્ક એટલે સીધું મોત

પોર્ટ બ્લેર: ભારત એક એવો લોકશાહી દેશ છે જ્યાં નાગરિકોને ગમે ત્યાં ફરવાની આઝાદી છે, પરંતુ બંગાળની ખાડીમાં આવેલો એક ટાપુ એવો છે જ્યાં જવાની હિંમત ખુદ સરકાર પણ કરતી નથી. આંદામાન અને નિકોબારના સમૂહમાં સ્થિત 'નોર્થ સેન્ટિનેલ ટાપુ' પર ભારતીયો સહિત કોઈ પણ વ્યક્તિ માટે પ્રવેશ કરવો એ માત્ર ગેરકાયદેસર જ નહીં, પણ જીવલેણ છે. આ ટાપુ પર વસતી 'સેન્ટિનેલીઝ' જાતિના લોકો હજારો વર્ષોથી પાષાણ યુગમાં જીવી રહ્યા છે અને તેઓ બહારની દુનિયાના કોઈ પણ હસ્તક્ષેપને લોહીની નદીઓ વહાવીને અટકાવે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ ૨૪ કલાક આ ટાપુની આસપાસ ૫ થી ૯ કિમીની ત્રિજ્યામાં પહેરો ભરે છે જેથી કોઈ ભૂલેચૂકે ત્યાં ન પહોંચી જાય. ૨૦૦૬માં બે માછીમારો અને ૨૦૧૮માં એક અમેરિકન સાહસિક જ્હોન ચાઉએ આ ટાપુ પર જવાની ભૂલ કરી હતી, જેમને આ આદિવાસીઓએ તીર અને ભાલાથી વીંધીને રહેંસી નાખ્યા હતા. તેમની લાશ લેવા માટે જવાની હિંમત પણ પ્રશાસન કરી શક્યું નહોતું. આ લોકો બહારની દુનિયા સાથે એટલા કપાયેલા છે કે જો આપણે તેમને મળીએ તો આપણા શરીરમાં રહેલા સામાન્ય બેક્ટેરિયા પણ આ આખી જ્ઞાતિનો નાશ કરી શકે છે, કારણ કે તેમની પાસે આધુનિક રોગો સામે લડવાની શક્તિ નથી.
૧૯૫૬ના આંદામાન અને નિકોબાર કાયદા હેઠળ આ વિસ્તારને સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર કરાયો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર દેખાતો આ ટાપુ હકીકતમાં એક જીવતું-જાગતું મ્યુઝિયમ છે, જ્યાં સમય થંભી ગયો છે. સરકારની નીતિ છે કે 'હાથ ના લગાવો, માત્ર નજર રાખો', જેથી આ દુર્લભ માનવ જાતિનું અસ્તિત્વ ટકી રહે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
