News of Sunday, 15th February 2026
નાગા સાધુ બનવાની કાળજું કંપાવતી સફર: જીવતા જીવ પિંડદાન અને કામવાસના ડામવા 'ટાંગતોડ'ની અઘોરી વિધિ
સંસાર ત્યાગીને 'મહાપુરુષ' બનવા સુધીના કઠિન સોળ સંસ્કાર; પાંચ ગુરુઓની દીક્ષા અને લિંગ તોડવાની દર્દનાક પ્રક્રિયાનું કડવું સત્ય

પ્રયાગરાજ: કુંભમેળામાં જ્યારે હજારોની સંખ્યામાં ભસ્મધારી નાગા સાધુઓ શાહી સ્નાન માટે નીકળે છે, ત્યારે આખું વિશ્વ તેમને અચંબિત નજરે જુએ છે. પરંતુ, નગ્ન દેખાતા આ સાધુઓ બનવાની પ્રક્રિયા અત્યંત જટિલ, ગુપ્ત અને પીડાદાયક છે. નાગા સંન્યાસી બનવા માટે વ્યક્તિએ વર્ષો સુધી ગુરુની સેવા કરવી પડે છે અને અંતે પોતાના જ પરિવાર સાથેના સંબંધો કાપીને જીવતા જીવ પોતાનું શ્રાદ્ધ અને પિંડદાન કરવું પડે છે. શૈવ અખાડાના આ સાધુઓ પંચસંસ્કારમાંથી પસાર થાય છે, જેમાં મંત્ર, વિભૂતિ, લંગોટી, રુદ્રાક્ષ અને જનોઈ ધારણ કર્યા પછી જ તેમને દીક્ષા મળે છે. આ પ્રક્રિયા બાદ તેઓ દુનિયા માટે 'મૃત' અને આધ્યાત્મિક રીતે 'પુનર્જન્મ' પામેલા ગણાય છે.
આ દીક્ષામાં સૌથી ભયાનક અને ચર્ચિત વિધિ છે 'ટાંગતોડ'. આ પ્રક્રિયામાં નાગા સાધુ બનવા ઇચ્છતા વ્યક્તિની કામવાસનાને કાયમ માટે નષ્ટ કરવા માટે તેના લિંગને એક વિશેષ મંત્ર સાથે ઝટકો આપીને તેની નસો તોડી નાખવામાં આવે છે. તબીબી ભાષામાં કહીએ તો, આ વિધિથી લિંગની નળીઓમાં ફ્રેક્ચર થાય છે, જેથી તે ક્યારેય સજ્જડ કે કઠોર થઈ શકતું નથી. આ અઘોરી વિધિ પાછળનો તર્ક એ છે કે સંન્યાસી આજીવન બ્રહ્મચર્યનું પાલન કરી શકે અને શારીરિક આકર્ષણથી મુક્ત રહે. જોકે, આ પ્રક્રિયામાં થતી વેદના એટલી અસહ્ય હોય છે કે અનેક સાધુઓ મહિનાઓ સુધી કષ્ટ ભોગવે છે.
દીક્ષા લીધા બાદ નાગા સાધુઓ માટેના નિયમો પણ અત્યંત કઠોર છે. તેમણે દિવસમાં એક જ વાર જમવું, જમીન પર સૂવું અને સુખ-સાહ્યબીનો સંપૂર્ણ ત્યાગ કરવો પડે છે. જોકે, વર્તમાન સમયમાં કુંભમેળામાં ચિત્ર કંઈક અલગ પણ જોવા મળે છે. આજે ઘણા નાગા સાધુઓ મોંઘા સ્માર્ટફોન, ગૉગલ્સ અને લક્ઝરી ગાડીઓ વાપરતા પણ દેખાય છે, જે તેમના કઠોર ત્યાગના આદર્શો સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. આમ છતાં, અખાડાઓની પરંપરા અને શાહી સ્નાનનો તેમનો દબદબો આજે પણ હિન્દુ ધર્મમાં એક ગૂઢ રહસ્ય સમાન જળવાયેલો રહ્યો છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
