<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ગંગાના અસ્તિત્વ પર ખતરો: પવિત્ર નદી સુકાઈ રહી છે: જ્યારે સિંધુમાં પાણીનો પ્રવાહ ઉછળ્યો

IIT ગાંધીનગરના ચોંકાવનારા સંશોધનમાં ખુલાસો: છેલ્લા 40 વર્ષમાં ગંગાનો પ્રવાહ 17% ઘટ્યો : ભૂગર્ભજળનું અંધાધૂંધ શોષણ અને બદલાતું વાતાવરણ ભારતની જળ સુરક્ષા માટે બન્યું 'ટાઈમ બોમ્બ'

નવી દિલ્હી  :  ભારતની જીવાદોરી સમાન ગંગા નદી અત્યારે તેના ઇતિહાસના સૌથી કપરા તબક્કામાંથી પસાર થઈ રહી છે. IIT ગાંધીનગરના તાજેતરના અહેવાલે દેશના નીતિઘડવૈયાઓની ઊંઘ ઉડાડી દીધી છે, જેમાં જણાવાયું છે કે છેલ્લા ચાર દાયકામાં ગંગાનો પ્રવાહ 17% જેટલો આશ્ચર્યજનક રીતે ઘટી ગયો છે. સંશોધકોના મતે, આ ઘટાડો છેલ્લા 1,300 વર્ષોમાં સૌથી તીવ્ર છે. બીજી તરફ, સિંધુ નદીના પ્રવાહમાં 8%નો વધારો નોંધાયો છે. નદીઓના વહેણમાં આવી રહેલો આ વિરોધાભાસી ફેરફાર માત્ર પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ કરોડો લોકોના પીવાના પાણી અને ખેતી માટે ગંભીર ખતરો છે, જે ભારતની જળ સુરક્ષાના પાયા હચમચાવી શકે છે.

આ સંશોધનમાં બહાર આવ્યું છે કે ગંગાના સુકાવા પાછળ માત્ર ઓછો વરસાદ જવાબદાર નથી, પરંતુ માનવીય ભૂલો વધુ મોટી છે. ગંગા બેસિનમાં ખેતી માટે ભૂગર્ભજળનો જે રીતે બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, તેણે નદીના કુદરતી રિચાર્જિંગ સિસ્ટમને તોડી નાખી છે. નદીના કુલ પ્રવાહમાં 50% થી 70% હિસ્સો ભૂગર્ભજળનો હોય છે, પરંતુ વધુ પડતા પમ્પિંગને કારણે હવે જમીનમાંથી નદીમાં પાણી પહોંચવાને બદલે નદીનું પાણી જમીનમાં ઉતરી રહ્યું છે. આ સ્થિતિ ગંગાને એક જીવંત નદીમાંથી મોસમી નાળામાં ફેરવી શકે છે, જે ઉત્તર ભારતની આખી ઇકોસિસ્ટમ માટે વિનાશક સાબિત થઈ શકે તેમ છે.

નદીઓના બદલાતા સ્વરૂપની અસર હવે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધો પર પણ પડવા લાગી છે. સિંધુ નદીમાં વધતો પ્રવાહ અને ભારત-પાકિસ્તાન વચ્ચેની 1960ની 'સિંધુ જળ સંધિ' હવે નવા વિવાદનું કેન્દ્ર બની શકે છે. એપ્રિલ 2025માં ભારતે આ સંધિ સ્થગિત કર્યા બાદ, હવે આબોહવા પરિવર્તનના આંકડાઓ ભારતને પશ્ચિમી નદીઓના પાણીના ઉપયોગ માટે નવો તર્ક આપી રહ્યા છે. જો આપણે હજુ પણ જાગૃત નહીં થઈએ અને પાક વૈવિધ્યકરણ કે ભૂગર્ભજળના નિયમન જેવા કડક પગલાં નહીં ભરીએ, તો આવનારા સમયમાં 'જળ યુદ્ધ' એ માત્ર કલ્પના નહીં પણ હકીકત બની જશે.

(5:51 PM IST)