<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

બાંગ્લાદેશમાં સત્તાનું નવું ગણિત: શું મુહમ્મદ યુનુસ બનશે નવા રાષ્ટ્રપતિ? તારિક રહેમાનના માસ્ટરપ્લાન પર સૌની નજર

17 ફેબ્રુઆરીએ વડાપ્રધાન પદના શપથ લેનારા તારિક રહેમાન દેશના 'શ્રેષ્ઠ મગજ'ને સરકારમાં સામેલ કરવા આતુર: નોબેલ વિજેતા યુનુસની વચગાળાની ભૂમિકા પૂર્ણ થયા બાદ તેમને સર્વોચ્ચ બંધારણીય પદ સોંપવાની અટકળો તેજ

ઢાકા  :  બાંગ્લાદેશમાં 17 ફેબ્રુઆરીનો દિવસ એક નવા યુગના પ્રારંભ સમાન માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન તરીકે તારિક રહેમાનના શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે જે પ્રશ્ન સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે તે છે પ્રોફેસર મુહમ્મદ યુનુસનું ભવિષ્ય. વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે તેમનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે રાજકીય ગલીઓમાં એવી ચર્ચા છે કે તારિક રહેમાન તેમને દેશના રાષ્ટ્રપતિ પદની ઓફર કરી શકે છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તારિક રહેમાનના નજીકના ગણાતા હુમાયુ કબીરના નિવેદનોએ આ અટકળોને હવા આપી છે કે નવા વડાપ્રધાન દેશની પ્રતિભાઓનો ઉપયોગ કરવા માટે કોઈ પણ મોટું પદ આપતા અચકાશે નહીં.

તારિક રહેમાનના સલાહકાર હુમાયુ કબીરે તાજેતરમાં આપેલા સંકેતો મુજબ, નવી સરકાર એક 'સમાવેશી સરકાર' (Inclusive Government) હશે. રહેમાન માને છે કે પ્રોફેસર યુનુસ જેવો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ ધરાવતો ચહેરો બાંગ્લાદેશની નવી છબી સુધારવામાં અને વિદેશી રોકાણ આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. "રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી" એવા કબીરના વિધાને પ્રોફેસર યુનુસને રાષ્ટ્રપતિ તરીકે જોવા ઈચ્છતા લોકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. તારિક રહેમાનનો ઈરાદો માત્ર સત્તા ચલાવવાનો જ નહીં, પણ બાંગ્લાદેશના અનુભવી અને તેજસ્વી નાગરિકોની સલાહથી દેશને નવી દિશા આપવાનો છે.

જો મુહમ્મદ યુનુસ રાષ્ટ્રપતિ પદ સ્વીકારે છે, તો તે બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત રાજદ્વારી જીત સાબિત થશે. તારિક રહેમાન માટે આ વ્યૂહાત્મક રીતે ફાયદાકારક રહેશે કારણ કે યુનુસની હાજરીથી નવી સરકારની વિશ્વસનીયતામાં વધારો થશે. હુમાયુ કબીરે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન બન્યા બાદ તારિક રહેમાન તમામ અગ્રણી નાગરિકો સાથે વાતચીત કરશે અને પ્રોફેસર યુનુસ સાથેની મુલાકાત તેમાં સૌથી મહત્વની બની રહેશે. હવે જોવાનું એ રહેશે કે 17 ફેબ્રુઆરીના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાનની સાથે રાષ્ટ્રપતિ પદને લઈને કોઈ મોટું સરપ્રાઈઝ મળે છે કે કેમ.

(6:19 PM IST)