<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ગાંધીનગરના આંગણે સહકાર ક્ષેત્રનું મહામંથન : ૧૭મી ફેબ્રુઆરીએ અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને તમામ રાજ્યોના સહકાર મંત્રીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે દેશભરમાં ૨ લાખ નવી મંડળીઓની સ્થાપના અને વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાની સમીક્ષા કરાશે : નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા રોડમેપ તૈયાર થશે

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત, પારદર્શક તથા આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને આગામી ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ મહાત્મા મંદિર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓની ઉચ્ચ સ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આ રાષ્ટ્રીય કક્ષાની બેઠકનું યજમાન બનશે.
ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવા ૨ લાખ નવી મંડળીઓનું લક્ષ્ય
આ બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ ઉપરાંત અધિક મુખ્ય સચિવો અને સચિવો પણ ઉપસ્થિત રહેશે. બેઠકનો મુખ્ય એજન્ડા દેશભરમાં ૨ લાખ નવી મલ્ટી-પર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (MPACS), ડેરી તથા મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓની સ્થાપનાની પ્રગતિની સમીક્ષા કરવાનો છે. આ પહેલ દ્વારા ગ્રામીણ સ્તરે રોજગારી અને આત્મનિર્ભરતા વધારવા પર ભાર મૂકવામાં આવશે.
વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના પર વિશેષ ભાર
અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ બેઠકમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ આધુનિક ગોદામોના નેટવર્કને વિસ્તારવા અંગે વિચાર-વિમર્શ થશે. આ યોજના દ્વારા ખેડૂતોને તેમના પાક સંગ્રહની વધુ સારી સુવિધા મળશે અને બજારમાં ભાવ સ્થિરતા જાળવવામાં મદદ મળશે. આ ઉપરાંત, તાજેતરમાં રચાયેલી ત્રણ રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓ — NCEL (નિકાસ), NCOL (જૈવિક ખેતી) અને BBSSL (બિયારણ) માં રાજ્યોની સક્રિય ભાગીદારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
સહકારી કાયદામાં સુધારા અને ડિજિટાઈઝેશન
બેઠકમાં ૯૭મા બંધારણીય સુધારાને અનુરૂપ મોડેલ સહકારી કાયદાઓ અપનાવવા અને રાજ્યના કાયદાઓમાં જરૂરી સુધારા કરવા પર ભાર મૂકાશે. આ ઉપરાંત, PACS અને RCS કચેરીઓના કોમ્પ્યુટરાઈઝેશન, નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝનો અસરકારક ઉપયોગ અને સહકારી બેંકો સામેના પડકારોના નિરાકરણ માટે વ્યૂહરચના ઘડાશે. અમૂલ અને NDDB ના સહયોગથી નવી ડેરી મંડળીઓની રચના અને સહકારી ખાંડ મિલોની આર્થિક સ્થિતિ સુધારવા અંગે પણ વ્યાપક મંથન થશે.
આ બેઠક સહકારી સંઘવાદની ભાવનાને મજબૂત બનાવશે અને કેન્દ્ર તથા રાજ્યો વચ્ચેના સંકલન દ્વારા સહકાર ક્ષેત્રને ભારતના અર્થતંત્રના મુખ્ય સ્તંભ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

(6:36 PM IST)