<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ભારત-યુકે મૈત્રીનો 'ગોલ્ડન એરા': એપ્રિલથી વ્હિસ્કી અને વિદેશી કારોના ભાવમાં આવશે મોટો ઘટાડો

ઐતિહાસિક CETA કરાર અમલી બનવાની તૈયારીમાં: બ્રિટિશ માર્કેટમાં ભારતીય કાપડ અને ઘરેણાંની થશે બોલબાલા : જ્યારે ભારતમાં સ્કોચ વ્હિસ્કી પરની ડ્યુટી 150% થી ઘટીને સીધી અડધી થઈ જશે

નવી દિલ્હી:  ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના આર્થિક સંબંધો હવે એક નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યા છે. જુલાઈ 2025 માં હસ્તાક્ષર કરાયેલ 'વ્યાપક આર્થિક અને વેપાર કરાર' (CETA) એપ્રિલ 2026 થી સત્તાવાર રીતે અમલમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. આ કરાર હેઠળ, બ્રિટિશ બજારમાં ભારતની 99 ટકા નિકાસ પરની ડ્યુટી નાબૂદ કરવામાં આવશે, જેનાથી ભારતીય નિકાસકારોને કરોડો રૂપિયાનો ફાયદો થશે. બીજી તરફ, ભારતીય ગ્રાહકો માટે પણ સારા સમાચાર છે, કારણ કે યુકેથી આયાત થતી પ્રીમિયમ ચીજવસ્તુઓ જેવી કે ચોકલેટ, કોસ્મેટિક્સ અને લક્ઝરી કારોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

આ કરારની સૌથી વધુ ચર્ચા સ્કોચ વ્હિસ્કી અને ઓટોમોબાઈલ ક્ષેત્રે થઈ રહી છે. સ્કોચ વ્હિસ્કી પર હાલમાં લાગતી 150 ટકાની તોતિંગ આયાત ડ્યુટી તાત્કાલિક ઘટાડીને 75 ટકા કરવામાં આવશે, જે 2035 સુધીમાં માત્ર 40 ટકા રહી જશે. તેવી જ રીતે, બ્રિટિશ કારો પરની 110 ટકા ડ્યુટી પણ પાંચ વર્ષમાં ઘટાડીને માત્ર 10 ટકા સુધી લાવવામાં આવશે. બદલામાં, ભારતના કાપડ, ફૂટવેર અને રત્ન-કલાકારોને યુકેના માર્કેટમાં કોઈ પણ ટેક્સ વગર મુક્ત પ્રવેશ મળશે. આ ડીલથી વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર હાલના $56 બિલિયનથી બમણો થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

માત્ર માલ-સામાન જ નહીં, પરંતુ કામદારો માટે પણ આ કરાર વરદાન સાબિત થશે. બંને દેશોએ 'ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન' (DCC) પર પણ મહોર મારી છે, જેનો અર્થ છે કે કામચલાઉ ધોરણે વિદેશ જતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ કે અન્ય કામદારોને હવે બંને દેશોમાં સામાજિક સુરક્ષા કે પેન્શનની બેવડી ચુકવણી કરવી પડશે નહીં. બ્રિટિશ સંસદમાં પણ આ કરારને લઈને અત્યંત સકારાત્મક માહોલ છે અને લેબર સરકાર તેને યુકેના વ્યવસાયો માટે ભારતના દ્વાર ખોલનારી એક મોટી સિદ્ધિ ગણાવી રહી છે. એપ્રિલથી ભારત અને બ્રિટન વચ્ચે વેપારનો એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે.

(7:13 PM IST)