News of Sunday, 15th February 2026
T20 વર્લ્ડ કપ : પાકિસ્તાની કેપ્ટન સલમાન આઘાની માઈન્ડ ગેમ : પ્લેઈંગ-11માં વાપસી કરનારા અભિષેક શર્માને પહેલા જ ઓવરમાં શૂન્ય રને આઉટ કર્યો
મેચ પૂર્વે પ્રેસ કોન્ફરન્સમાં અભિષેકને રમાડવાની ઈચ્છા વ્યક્ત કરનાર પાકિસ્તાની કેપ્ટને પોતે જ પ્રથમ ઓવર ફેંકી ભારતને આપ્યો મોટો ઝટકો : હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતની ખરાબ શરૂઆત

કોલંબો : શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના સૌથી હાઈ-પ્રોફાઈલ મુકાબલામાં રવિવારે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આઘાની અનોખી રણનીતિ જોવા મળી છે. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ, કેપ્ટન સલમાન આઘાએ પોતે જ સ્પિન બોલિંગથી પ્રથમ ઓવર ફેંકીને ભારતની વિસ્ફોટક ઓપનિંગ જોડીને ચોંકાવી દીધી હતી.
પ્રેસ કોન્ફરન્સની માઈન્ડ ગેમ મેદાન પર જોવા મળી
ઉલ્લેખનીય છે કે, મેચ પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે એક પત્રકારે અભિષેક શર્માની ઉપલબ્ધતા વિશે પૂછ્યું હતું, ત્યારે સલમાન આઘાએ અત્યંત આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, "અમે ઈચ્છીએ છીએ કે અભિષેક આ મેચ રમે, કારણ કે અમે ભારતની શ્રેષ્ઠ ટીમ સામે રમવા માંગીએ છીએ." આ નિવેદન દ્વારા તેણે ભારતને પડકાર ફેંક્યો હતો અને આજે મેદાનમાં તેણે પોતાની એ જ વાતને સાબિત કરી બતાવી હતી. માંદગીમાંથી સાજા થઈને ટીમમાં પરત ફરેલા અભિષેક શર્માને કેપ્ટને પોતાની જ ઓવરમાં ડક (૦ રન) પર આઉટ કરીને ભારતને મોટો ફટકો આપ્યો હતો.
ભારતની મુશ્કેલ શરૂઆત અને પાકિસ્તાની દબદબો
ભારત તરફથી અભિષેક શર્મા અને ઈશાન કિશન ઈનિંગની શરૂઆત કરવા આવ્યા હતા. અભિષેક શર્મા પાસે ચાહકોને મોટી આશા હતી, પરંતુ તે ચાર બોલ રમીને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગો થયો હતો. સલમાન આઘાએ જે રીતે પોતે બોલિંગની જવાબદારી સ્વીકારી અને પ્રથમ ઓવરમાં જ સફળતા મેળવી, તે તેની આક્રમક કેપ્ટનશીપનો પુરાવો આપે છે. ટોસ વખતે બંને દેશોના કેપ્ટનોએ હસ્તધૂનન કરવાનું પણ ટાળ્યું હતું, જે મેચમાં રહેલી ઉગ્રતા અને તણાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલ અને ગ્રુપ-એના ટોપર બનવા માટે આ મેચ અત્યંત નિર્ણાયક છે. ભારતીય ટીમ હવે ઈશાન કિશન અને તિલક વર્માની મદદથી શરૂઆતી ઝટકામાંથી બહાર આવવા મથામણ કરી રહી છે. બીજી તરફ, પાકિસ્તાની બોલરો પિચની સ્પિન અનુકૂળતાનો પૂરો લાભ ઉઠાવી રહ્યા છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
