<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ઓવૈસીનું 'નાગરિકતા' કાર્ડ: ભાજપના નવા હથિયાર SIR સામે હૈદરાબાદથી ગર્જના: "તમારો હક છીનવવાનું આ કાવતરું છે"

AIMIM ના સ્થાપના દિને ઓવૈસીએ લઘુમતીઓ અને દલિતોને કર્યા સતર્ક : બિહાર બાદ હવે તેલંગાણા-મહારાષ્ટ્રમાં નાગરિકતા ચકાસણીના નામે યાદીમાંથી નામ કાઢી નાખવાનો ગંભીર આરોપ : 'ફૂડ જેહાદ'ના નામે મુસ્લિમ વેપારીઓની પજવણી મુદ્દે પણ સરકારને ઘેરી

હૈદરાબાદ:  તેલંગાણાના રાજકારણમાં ફરી એકવાર નાગરિકતા અને ઓળખના મુદ્દે ગરમાવો આવ્યો છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન ના 68માં પુનરુત્થાન દિવસ નિમિત્તે હૈદરાબાદમાં યોજાયેલી એક વિશાળ સભામાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રની ભાજપ સરકાર પર સીધા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ 'SIR'  પ્રક્રિયા દ્વારા સામાન્ય લોકોની, ખાસ કરીને લઘુમતીઓ અને દલિતોની નાગરિકતા છીનવી લેવા માટે નવું હથિયાર વાપરી રહી છે. તેમણે ચેતવણી આપી કે બિહારમાં આ પ્રયોગ સફળ થયા બાદ હવે તેલંગાણા અને મહારાષ્ટ્રમાં પણ તેને લાગુ કરીને મતદાર યાદીમાંથી ચોક્કસ સમુદાયના નામ ગાયબ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.

સભાને સંબોધતા ઓવૈસીએ જનતાને અત્યંત સતર્ક રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે સરકારી અધિકારીઓ ચકાસણી માટે તમારા ઘરે આવે, ત્યારે ખાતરી કરો કે પરિવારના દરેક સભ્યનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાયેલું રહે. ઓવૈસીના મતે, ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતા સુધારાની આડમાં ભાજપ વાસ્તવિક ભારતીય નાગરિકોને પણ શંકાના દાયરામાં લાવી રહી છે. તેલંગાણામાં એપ્રિલ-મે દરમિયાન આ પ્રક્રિયા તેજ થવાની શક્યતા છે, જેને લઈને હૈદરાબાદના સાંસદે અત્યારથી જ રાજકીય મોરચો ખોલી દીધો છે. તેમના મતે, આ માત્ર વહીવટી પ્રક્રિયા નથી પરંતુ એક ઊંડું રાજકીય રમત છે.

રાજકીય વિવાદની સાથે ઓવૈસીએ મેદારામ જાતારા ઉત્સવ દરમિયાન બનેલી એક સાંપ્રદાયિક ઘટના અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેલંગાણાના આ મોટા આદિવાસી ઉત્સવમાં એક મુસ્લિમ બ્રેડ વેચનાર સાથે કેટલાક યુટ્યુબર્સે દુર્વ્યવહાર કર્યો હતો અને તેને "ફૂડ જેહાદ" નામ આપીને હેરાનગતિ કરી હતી. ઓવૈસીએ આ યુટ્યુબર્સને "દેશના દુશ્મન" ગણાવતા તેલંગાણા પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સાંપ્રદાયિક નફરત ફેલાવવાના આવા કોઈ પણ કૃત્યોને મજલિસ સહન કરશે નહીં. આ નિવેદન બાદ તેલંગાણાના શાંત વાતાવરણમાં ફરી એકવાર રાજકીય અને સાંપ્રદાયિક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

(7:24 PM IST)