News of Sunday, 15th February 2026
બ્લડ ગ્રુપ અને કેન્સર કનેક્શન: શું તમારૂ બ્લડગ્રૂપ નક્કી કરે છે બીમારીનું જોખમ? ચોંકાવનારું નવું સંશોધન
A અને AB બ્લડગ્રૂપ ધરાવતા લોકોએ સાવધ રહેવાની જરૂર : પેટ અને સ્વાદુપિંડના કેન્સરનું જોખમ 13% થી 32% વધુ હોવાનો અભ્યાસમાં ખુલાસો : બ્લડ ગ્રુપ 'O' ધરાવતા લોકો કુદરતી રીતે વધુ સુરક્ષિત હોવાનો દાવો

નવી દિલ્હી: કેન્સર જેવી જીવલેણ બીમારીના કારણોમાં અત્યાર સુધી આપણે ધૂમ્રપાન, આહાર અને આનુવંશિકતાને જવાબદાર ગણતા હતા, પરંતુ આધુનિક તબીબી વિજ્ઞાને હવે એક નવો ફેરફાર શોધી કાઢ્યો છે. તાજેતરના આંતરરાષ્ટ્રીય સંશોધનો મુજબ, વ્યક્તિનું બ્લડ ગ્રુપ તેના કેન્સરના જોખમ સાથે સીધું સંકળાયેલું હોઈ શકે છે. ખાસ કરીને 'A' અને 'AB' રક્ત જૂથ ધરાવતા લોકોમાં પેટ (ગેસ્ટ્રિક) અને સ્વાદુપિંડના કેન્સર થવાની શક્યતા અન્ય જૂથો કરતા ઘણી વધારે જોવા મળી છે. આ અભ્યાસ મુજબ, બ્લડ ગ્રુપ 'A' વાળા લોકોમાં ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ 19% અને સ્વાદુપિંડના કેન્સરનું જોખમ આશ્ચર્યજનક રીતે 32% જેટલું વધારે હોય છે.
વિજ્ઞાનીઓના મતે, આ પાછળનું એક મુખ્ય કારણ 'હેલિકોબેક્ટર પાયલોરી' નામના બેક્ટેરિયા છે. બ્લડ ગ્રુપ 'A' ધરાવતી વ્યક્તિઓ આ બેક્ટેરિયાના ચેપ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે, જે પેટના કેન્સર માટે જવાબદાર માનવામાં આવે છે. બીજી તરફ, બ્લડ ગ્રુપ 'O' ધરાવતા નસીબદાર લોકોમાં આ જોખમ સરેરાશ 16% જેટલું ઓછું જોવા મળ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે રક્ત જૂથમાં રહેલા એન્ટિજેન્સ શરીરમાં બળતરા (inflammation) અને રોગપ્રતિકારક શક્તિના પ્રતિભાવને અસર કરે છે, જે કેન્સરના કોષોની વૃદ્ધિમાં ભૂમિકા ભજવી શકે છે.
જોકે, તબીબો સ્પષ્ટપણે જણાવે છે કે બ્લડ ગ્રુપ એ માત્ર એક સંભવિત જોખમનું પરિબળ છે, તે કેન્સરની ગેરેંટી નથી. કેન્સર સામેનો અસલી જંગ તો જીવનશૈલીના મેદાનમાં જ લડાય છે. જો તમે યોગ્ય આહાર, નિયમિત કસરત અને વ્યસનમુક્ત જીવન જીવો છો, તો ગમે તે બ્લડ ગ્રુપ હોવા છતાં જોખમ ઘટાડી શકાય છે. આ સંશોધનનો હેતુ ડર ફેલાવવાનો નથી, પરંતુ 'A' અને 'AB' ગ્રુપના લોકોને તેમના પાચનતંત્રના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત કરવાનો છે, જેથી પ્રારંભિક તબક્કે લક્ષણો ઓળખી શકાય અને સમયસર સારવાર મેળવી શકાય.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
