News of Sunday, 15th February 2026
વડોદરામાં શિવ ભક્તિમાં લીન થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ : સર્વેશ્વર મહાદેવની ઉતારી આરતી
30 વર્ષ જૂના એક અનોખા સંકલ્પની પૂર્તિ અને સુવર્ણજડિત શિવ પ્રતિમાના દર્શન કરતા અમિતભાઇ શાહ ભાવુક થયા :પીએમ મોદીના 11 વર્ષના શાસનકાળને તેમણે સનાતન સંસ્કૃતિ માટે કેમ ગેમ-ચેન્જર ગણાવ્યો

મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે વડોદરાના ઐતિહાસિક સુરસાગર સરોવર ખાતે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ ખાસ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉપસ્થિત રહીને સર્વેશ્વર મહાદેવની આરતી ઉતારી હતી. હજારો શ્રદ્ધાળુઓની મેદનીને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, વડોદરાની ધરતી પર શિવરાત્રી ઉજવવી એ તેમના માટે પરમ સૌભાગ્યની વાત છે.
ગૃહમંત્રીએ સ્વામી સાવલીવાળા મહારાજના 1996ના એ ઐતિહાસિક સંકલ્પને યાદ કર્યો હતો, જેમાં વડોદરામાં ભવ્ય શિવ પ્રતિમાની સ્થાપના અને શિવજીની સવારી કાઢવાનું સ્વપ્ન જોવામાં આવ્યું હતું. અમિતભાઈ શાહે ભાવુક થઈને કહ્યું કે, "જ્યારે સુવર્ણજડિત પ્રતિમાની વાત આવી ત્યારે મનમાં શંકા હતી કે આટલું મોટું કાર્ય સફળ થશે કે કેમ, પરંતુ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને વડોદરાના નગરજનોએ પોતાના ઘરના પ્રસંગ જેવી શ્રદ્ધા સાથે આ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે." 19મી સદીમાં બનેલું આ સર્વેશ્વર મહાદેવ મંદિર આજે મહારાજના સંકલ્પથી રાષ્ટ્રીય ફલક પર ચમકી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા અમિતભાઈ શાહે કહ્યું કે, છેલ્લા 11 વર્ષથી દેશમાં સનાતન પરંપરાઓને મજબૂત કરવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. 550 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને કાશી વિશ્વનાથ કોરિડોર તૈયાર થયો, જે ભારતની સાંસ્કૃતિક જાગૃતિનું પ્રતીક છે. વડોદરામાં પણ સુરસાગરની મધ્યમાં બિરાજતા મહાદેવ આ સાંસ્કૃતિક વિરાસતનો જ એક ભાગ છે.
કાર્યક્રમમાં વિવિધ સંતો-મહંતોના આશીર્વાદ અને 'હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર વડોદરા ગુંજી ઉઠ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વડોદરાના આ સામૂહિક પ્રયાસને બિરદાવતા કહ્યું કે, ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક જાગૃતિ માટે આવા કાર્યક્રમો અનિવાર્ય છે. સુરસાગરના તટ પર યોજાયેલું આ આયોજન માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પરંતુ વડોદરાના ગૌરવની અભિવ્યક્તિ બની રહ્યું હતું
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
