<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

અમેરિકાના જેલ જેવા ડિટેન્શન સેન્ટરોમાં ઇમિગ્રન્ટ્સની હાલત કફોડી: કાનૂની લડત લડવાને બદલે હજારો લોકોએ 'સ્વૈચ્છિક દેશનિકાલ' પસંદ કર્યો!

રેકોર્ડબ્રેક 73,000 લોકો ICE કસ્ટડીમાં: લાંબી અટકાયત અને માનસિક થાકને કારણે 'આઝાદી' માટે વતન પરત ફરવા મજબૂર બનતા વિદેશીઓ

 
વોશિંગ્ટન, તા.16: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અથવા આશ્રયની રાહ જોતા ઇમિગ્રન્ટ્સ માટે સ્થિતિ વધુ કપરી બની રહી છે. ઇમિગ્રેશન કોર્ટના તાજેતરના ડેટા મુજબ, 2024 અને 2025માં અટકાયતીઓની રેકોર્ડ સંખ્યાએ કાનૂની લડત ચાલુ રાખવાને બદલે અમેરિકા છોડીને પોતાના વતન પરત ફરવાનો રસ્તો અપનાવ્યો છે. ડિસેમ્બર 2025 સુધીમાં, પૂર્ણ થયેલા કેસોમાંથી આશ્ચર્યજનક રીતે 38% લોકોએ 'સ્વૈચ્છિક પ્રસ્થાન' (Voluntary Departure) પસંદ કર્યું હતું.
નર્સિંગ ગ્રેજ્યુએટ પણ ન બચી શકી: વિલ્માની હૃદયદ્રાવક કહાની
આ આંકડાઓ પાછળ અનેક ભાવનાત્મક કહાનીઓ છુપાયેલી છે. હોન્ડુરાસની 22 વર્ષીય વિલ્મા પેલાસિઓસ, જે 6 વર્ષની ઉંમરથી જ યુએસમાં રહેતી હતી અને તાજેતરમાં જ નર્સિંગ સ્કૂલમાંથી સ્નાતક થઈ હતી, તેને પણ 6 મહિના સુધી લ્યુઇસિયાનાની જેલમાં રાખવામાં આવી હતી. વિલ્માએ રડમસ અવાજે જણાવ્યું કે, "ત્યાં જે રીતે વર્તન કરવામાં આવે છે તેનાથી માણસ માનસિક રીતે ભાંગી પડે છે. અંતે મેં કહી દીધું કે મારે ફક્ત મારી આઝાદી જોઈએ છે, ભલે મારે દેશ છોડવો પડે." વિલ્મા પાસે કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો અને તે તેની વર્ક પરમિટના રિન્યુઅલની રાહ જોઈ રહી હતી.
જેલમાં ભીષણ ભીડ અને સારવારનો અભાવ
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) ના જણાવ્યા મુજબ, જાન્યુઆરીના મધ્ય સુધીમાં ICE કસ્ટડીમાં લોકોની સંખ્યા 73,000 પર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. અટકાયતીઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમને જરૂરી તબીબી સારવાર મેળવવા માટે અઠવાડિયાઓ સુધી રાહ જોવી પડે છે. આ અમાનવીય પરિસ્થિતિ અને બોન્ડ મળવાની ઘટતી શક્યતાઓને કારણે લોકોમાં નિરાશા વ્યાપી છે.
આશ્રય મળવો હવે લોઢાના ચણા ચાવવા જેવું
ટ્રમ્પ વહીવટની કડક નીતિઓને કારણે ન્યાયાધીશોની બોન્ડ આપવાની સત્તા મર્યાદિત બની છે. આંકડા દર્શાવે છે કે 2024માં બોન્ડ મળવાનો દર 59% હતો, જે હવે ઘટીને માત્ર 30% રહી ગયો છે. એટલું જ નહીં, આશ્રય (Asylum) મંજૂર થવાના દરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 2022માં જ્યાં અડધાથી વધુ અરજીઓ મંજૂર થતી હતી, ત્યાં ડિસેમ્બર 2025 સુધીમાં આ દર ઘટીને માત્ર 29% પર આવી ગયો છે.
આ સંજોગોમાં, વર્ષોથી અમેરિકામાં રહીને સપના જોનારા ઇમિગ્રન્ટ્સ હવે કાનૂની ગૂંચવણો અને જેલના સળિયાથી બચવા માટે ભારે હૈયે પોતાના વતનની વાટ પકડી રહ્યા છે.

(3:13 PM IST)