<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ઉત્તર પ્રદેશની ૧૮ જિલ્લા અદાલતોને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી: લખનઉથી અલીગઢ સુધી તંત્ર હાઈ એલર્ટ પર

લખનઉથી લઈને અલીગઢ સુધીના તમામ મહત્વના શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું: અદાલતો જેવી સંવેદનશીલ જગ્યાઓ પર સુરક્ષામાં જબરો વધારો કરાયો

ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દેતી એક મોટી ઘટના સામે આવી છે. રાજ્યની ૧૮ જેટલી જિલ્લા અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે.
આ ધમકીભર્યા સંદેશા બાદ લખનઉથી લઈને અલીગઢ સુધીના તમામ મહત્વના શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અદાલતો જેવી સંવેદનશીલ જગ્યાઓ પર સુરક્ષામાં જંગી વધારો કરવામાં આવ્યો છે અને આવતા-જતા દરેક વ્યક્તિની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ ધમકી એક ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યના જુદા જુદા જિલ્લાઓની કોર્ટ પરિસરમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. આ ઈમેલ મળતાની સાથે જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ) અને ડોગ સ્ક્વોડને તુરંત જ વિવિધ કોર્ટ પરિસરોમાં મોકલી આપવામાં આવ્યા હતા અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લખનઉ, કાનપુર, અલીગઢ, વારાણસી સહિતના મોટા શહેરોની અદાલતોની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસ સાયબર સેલની ટીમ આ ધમકીભર્યા ઈમેલનું પગેરું શોધવા માટે કામે લાગી છે. આઈપી એડ્રેસ અને અન્ય ટેકનિકલ વિગતોના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ અદાલતો અને શાળાઓને આવા બોક્સ કોલ્સ અથવા ફેક ધમકીઓ મળી હોવાના કિસ્સા બન્યા છે, પરંતુ સુરક્ષાના મામલે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખતા તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વકીલો, ન્યાયાધીશો અને અદાલત આવતા પક્ષકારોમાં પણ આ સમાચારને પગલે ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે નાગરિકોને શાંતિ જાળવવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરંત જાણ કરવા અપીલ કરી છે.

(7:42 PM IST)