<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

કોંગ્રેસમાં 'ગૃહયુદ્ધ': હારમાંથી પાઠ ભણવાને બદલે જૂના રાગમાં નવી આફત: શું ૨૦૨૬માં ફરી પત્તાના મહેલની જેમ ધરાશાયી થશે વિપક્ષ?

આસામમાં રાજીનામું, કેરળમાં 'રાહુલવાદી' વિરુદ્ધ 'રાજીવવાદી'નો જંગ અને તમિલનાડુ-બંગાળમાં સાથી પક્ષોએ ફેરવી તોળ્યું મોઢું : મધ્યપ્રદેશ અને રાજસ્થાનની હારના પડઘા હજુ શમ્યા નથી ત્યાં કોંગ્રેસ ફરી આંતરિક ઝઘડાઓના વમળમાં ફસાઈ

નવી દિલ્હી:  કોંગ્રેસ માટે ચૂંટણી રાજ્યોમાંથી આવી રહેલા સમાચાર કોઈ દુઃસ્વપ્નથી ઓછા નથી. એવું લાગે છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળેલી કારમી હારમાંથી પક્ષે કોઈ બોધપાઠ લીધો નથી. પક્ષ અત્યારે આંતરિક વિખવાદ અને વરિષ્ઠ નેતાઓના બળવાખોર તેવરો સામે ઝઝૂમી રહ્યો છે. કેરળમાં મણિશંકર ઐયરના વિવાદાસ્પદ નિવેદને સળગતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઐયરે પોતાને 'રાજીવવાદી' ગણાવી રાહુલ ગાંધીના નેતૃત્વ પર આડકતરો પ્રહાર કર્યો અને ભવિષ્યવાણી કરી કે પક્ષ હારી જશે. આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસને બરાબરની ઘેરી છે, જેમાં શહજાદ પૂનાવાલાએ કટાક્ષ કર્યો છે કે જ્યારે વફાદાર નેતાઓ જ રાહુલ ગાંધીને નકારી રહ્યા હોય, ત્યારે જનતા કેવી રીતે વિશ્વાસ કરશે?

પૂર્વોત્તરના પ્રવેશદ્વાર ગણાતા આસામમાં પણ કોંગ્રેસની હાલત કફોડી છે. પ્રદેશ પ્રમુખ ભૂપેન કુમાર બોરાએ ગૌરવ ગોગોઈની કામ કરવાની પદ્ધતિ સામે રોષ વ્યક્ત કરીને રાજીનામું ધરી દીધું હતું. પ્રિયંકા ગાંધીની મુલાકાત પહેલા જ આ વિવાદ સામે આવતા પક્ષની ફજેતી થઈ છે. બીજી તરફ, દક્ષિણમાં તમિલનાડુ ખાતે ડીએમકે સાથેના સંબંધોમાં પણ તિરાડ પડી છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને સત્તામાં ભાગીદારી આપવાનો ઇનકાર કરતા કોંગ્રેસના નેતાઓ હવે અભિનેતા વિજયની પાર્ટી 'ટીવીકે'  તરફ નજર દોડાવી રહ્યા છે. ગઠબંધનના સાથીઓ સાથેનો આ તણાવ દર્શાવે છે કે કોંગ્રેસ તેના ગઢ બચાવવામાં નબળી પડી રહી છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ૨૦૨૬ની ચૂંટણીમાં કોંગ્રેસને સાઈડલાઈન કરીને એકલા હાથે લડવાનું એલાન કરી દીધું છે. રાષ્ટ્રીય સ્તરે 'ઈન્ડિયા' ગઠબંધનનો હિસ્સો હોવા છતાં રાજ્ય સ્તરે તૃણમૂલ અને કોંગ્રેસ વચ્ચેની આ લડાઈ ભાજપ માટે રસ્તો સાફ કરી રહી છે. કોંગ્રેસે તમામ ૨૯૪ બેઠકો પર લડવાનો નિર્ણય તો લીધો છે, પરંતુ જમીની સ્તરે કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. હાઇકમાન્ડ અને પ્રાદેશિક નેતૃત્વ વચ્ચેના તાલમેલના અભાવને કારણે કોંગ્રેસ ફરી એકવાર ૨૦૨૪ની ભૂલોનું પુનરાવર્તન કરી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

(8:15 PM IST)