તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 16th February 2026
સરહદ પર ભારત-અમેરિકાની 'જુગલબંધી': ટ્રમ્પના રાજદૂતની પશ્ચિમી કમાન્ડની મુલાકાતથી પાકિસ્તાન-ચીનમાં હડકંપ!
અમેરિકી રાજદૂત સર્જિયો ગોર અને એડમિરલ પાપારોએ પશ્ચિમી મોરચાની ઓપરેશનલ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ : ઓપરેશન સિંદૂરના વારસા અને વ્યૂહાત્મક સુરક્ષા મુદ્દે લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર સાથે કરી અત્યંત ગુપ્ત અને મહત્વની ચર્ચાઓ

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધો હવે માત્ર કાગળ પર નહીં પણ મેદાનમાં પણ દેખાઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે અચાનક ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડના મુખ્યાલયની મુલાકાત લઈને વૈશ્વિક સ્તરે સૌને ચોંકાવી દીધા છે. તેમની સાથે યુએસ-ઇન્ડોપાકોમ કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ જે. પાપારો પણ હાજર હતા. આ મુલાકાતને રાજદ્વારી વર્તુળોમાં અત્યંત 'અસામાન્ય' માનવામાં આવી રહી છે, કારણ કે પશ્ચિમી કમાન્ડ એ ભારતનો એવો વ્યૂહાત્મક હિસ્સો છે જે સીધી રીતે પાકિસ્તાન સામેના મોરચાની સુરક્ષા સંભાળે છે.
આ મુલાકાત દરમિયાન, પશ્ચિમી કમાન્ડના આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારે અમેરિકી પ્રતિનિધિમંડળને પશ્ચિમી મોરચાની સુરક્ષા ગતિશીલતા અને ઓપરેશનલ તૈયારીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને, પાકિસ્તાન સામેની ઐતિહાસિક લડાઈઓમાં આ કમાન્ડની ભૂમિકા અને 'ઓપરેશન સિંદૂર' ના કાર્યકારી અનુભવો વિશે ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના અખનૂરથી લઈને પંજાબના ફાઝિલ્કા સુધીની સંવેદનશીલ સરહદ પર ભારતીય સેના કેવી રીતે પકડ જમાવી રહી છે, તે જોઈને અમેરિકી કમાન્ડરો પણ પ્રભાવિત થયા હતા.
ઇતિહાસમાં ડોકિયું કરીએ તો, ૨૦૦૧ થી ૨૦૦૩ વચ્ચે તત્કાલીન રાજદૂત રોબર્ટ બ્લેકવિલે પણ આવી જ રીતે સંવેદનશીલ સરહદોની મુલાકાત લીધી હતી, જે ત્યારબાદ ભારત-અમેરિકાના સંબંધોમાં વળાંક સમાન સાબિત થઈ હતી. રાજદૂત સર્જિયો ગોરની આ મુલાકાત સૂચવે છે કે અમેરિકા દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સ્થિરતા માટે ભારતીય સેનાની ભૂમિકાને સર્વોપરી માને છે. આ બેઠકથી માત્ર બંને દેશો વચ્ચેનો વિશ્વાસ જ નથી વધ્યો, પરંતુ દુશ્મન દેશો માટે પણ એક મજબૂત સંદેશ ગયો છે કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને અમેરિકાની રણનીતિ હવે એક સમાન દિશામાં આગળ વધી રહી છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
