<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સ્વિટ્ઝર્લૅન્ડમાં કુદરતનો પ્રકોપ: હિમપ્રપાતની લપેટમાં આવી 80 મુસાફરો ભરેલી ટ્રેન, પાટા પરથી ઉતરી જતાં અનેક લોહીલુહાણ

ગોપ્પેનસ્ટીન પાસે પહાડ પરથી બરફનો પહાડ ટ્રેન પર તૂટી પડ્યો: માઈનસ ડિગ્રી તાપમાન વચ્ચે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ, રેલ વ્યવહાર ઠપ

બર્ન (સ્વિટ્ઝર્લૅન્ડ) : યુરોપના સુંદર દેશ સ્વિટ્ઝર્લૅન્ડમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ સ્વિટ્ઝર્લૅન્ડના પહાડી વિસ્તારોમાં આવેલા ભયાનક હિમપ્રપાતને કારણે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન ગોપ્પેનસ્ટીન ગામ નજીકથી પસાર થઈ રહી હતી અને અચાનક પહાડ પરથી બરફનો મોટો જથ્થો રેલવે ટ્રેક પર ધસી આવ્યો હતો.
    80 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા: દુર્ઘટના સમયે ટ્રેનમાં અંદાજે 80 જેટલા મુસાફરો સવાર હતા. હિમપ્રપાત એટલો શક્તિશાળી હતો કે ટ્રેનના ડબ્બાઓ પાટા પરથી ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. બરફ અને કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
 ભારે હિમવર્ષા અને કાતિલ ઠંડીને કારણે બચાવ કામગીરીમાં અવરોધો આવી રહ્યા છે. હેલિકોપ્ટર અને ખાસ સ્નો-રેસ્ક્યુ ટીમો દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સત્તાવાર સમાચાર નથી, પરંતુ ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે.
આ અકસ્માતને કારણે સ્વિસ રેલવે નેટવર્કને મોટું નુકસાન થયું છે. રેલવે સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ટ્રેક પરથી બરફ અને ટ્રેનનો કાટમાળ હટાવતા લાંબો સમય લાગી શકે છે. આ રૂટ પરનો ટ્રાફિક મંગળવાર સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કુદરતી સૌંદર્ય માટે જાણીતું સ્વિટ્ઝર્લૅન્ડ અત્યારે આ કુદરતી આફત સામે ઝઝૂમી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ હિમપ્રપાતની ચેતવણી પણ જારી કરી છે

(9:10 PM IST)