<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

પ્રેમિકાના ભાઈએ લગ્નની વાત કરવાના બ્હાને પોતાની પરિણીત બહેનના બોયફ્રેન્ડને બેંગલુરુથી બિહાર બોલાવ્યો, ગોળી મારી, હત્યા કરી, માથું વાઢી લીધું: ઓનર કિલિંગ

આ ઘટનાએ ફરી એકવાર પ્રેમ સંબંધોમાં થતી હિંસા અને સામાજિક માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કર્યા

બિહારના સહેરસા જિલ્લામાં માનવતાને શરમાવે અને કાળજું કંપાવી દે તેવો એક અત્યંત ક્રૂર હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના ભાઈએ જ તેના બોયફ્રેન્ડની નિર્મમ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવકનું નામ રાજેશ કુમાર હતું. રાજેશ કુમાર અને આરોપીની બહેન વચ્ચે પ્રેમ સંબંધ હતો, જે યુવતીના પરિવારને મંજૂર ન હતો. આ પ્રેમસંબંધનો કરુણ અંજામ લાવવા માટે પ્રેમિકાના ભાઈએ એક ભયાનક ષડયંત્ર રચ્યું હતું.
આરોપી ભાઈએ રાજેશ કુમારને વિશ્વાસમાં લેવા માટે ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ બહેન સાથે તેના લગ્ન કરાવવા માટે તૈયાર છે. આ વાત સાંભળીને રાજેશ કુમાર રાજીખુશીથી બેંગલુરુથી બિહારના સહેરસા આવવા નીકળી ગયો હતો. જોકે, તેને કલ્પના પણ નહોતી કે તે લગ્નના મંડપમાં નહીં પણ પોતાના મોતના મુખમાં જઈ રહ્યો છે. 
સહેરસા પહોંચ્યા બાદ, આરોપી તેને એક સુમસામ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં જઈને પ્રેમિકાના ભાઈએ પહેલા રાજેશ કુમારને ગોળી મારી હતી. આટલેથી સંતોષ ન થતા, નરાધમે અત્યંત ક્રૂરતાપૂર્વક ધારદાર હથિયાર વડે રાજેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને ખેતરમાંથી રાજેશનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. માથું અને ધડ અલગ અલગ જગ્યાએ પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં આ મામલો ઓનર કિલિંગનો હોવાનું બહાર આવ્યું છે. 
મૃતક રાજેશ કુમારના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, પ્રેમિકાનો ભાઈ પહેલેથી જ આ સંબંધથી નારાજ હતો કારણ કે તેની બહેન પરણેલી હતી અને છતાં રાજેશ સાથે તેના સંબંધો હતા. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રેમ સંબંધોમાં થતી હિંસા અને સામાજિક માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે

(9:37 PM IST)