<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ગ્લોબલ માર્કેટમાં 'મેક ઇન ઇન્ડિયા'નો દબદબો: વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતની નિકાસ 720 બિલિયન ડોલરને પાર!

વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડાએ દુનિયાને ચોંકાવી: પેટ્રોલિયમ સિવાયના સેક્ટરમાં ૪.૮૯ ટકાનો તોતિંગ ઉછાળો: આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચીજવસ્તુઓની બોલબાલા

નવી દિલ્હી:  વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ઉથલપાથલ અને અનેક મોટા દેશોમાં જોવા મળી રહેલી આર્થિક સુસ્તી છતાં ભારતનું એક્સપોર્ટ એન્જિન ફુલ સ્પીડમાં દોડી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ દસ મહિનામાં ભારતની કુલ નિકાસ (વેપાર અને સેવાઓ બંને મળીને) $૭૨૦.૭૬ બિલિયનના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ ૬.૧૫ ટકાનો મજબૂત વૃદ્ધિ દર દર્શાવે છે, જે સાબિત કરે છે કે વૈશ્વિક બજારોમાં હવે 'મેડ ઇન ઇન્ડિયા' બ્રાન્ડ પરનો ભરોસો સતત વધી રહ્યો છે.

ભારતની આ સફળતામાં સૌથી મહત્વનું પાસું પેટ્રોલિયમ સિવાયની નિકાસમાં થયેલો નોંધપાત્ર વધારો છે. આંકડા દર્શાવે છે કે એન્જિનિયરિંગ ગુડ્સ, ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ભારતે પોતાની હાજરી મજબૂત કરી છે. પેટ્રોલિયમ સિવાયની નિકાસ ૩૦૫.૯૮ બિલિયન ડોલર થી વધીને ૩૨૦.૯૪ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે ભારત હવે માત્ર પરંપરાગત ઉત્પાદનો પર નિર્ભર નથી, પરંતુ હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં પણ દુનિયાનું પાવરહાઉસ બની રહ્યું છે. રશિયા-યુક્રેન કે મધ્ય પૂર્વના તણાવ જેવી ભૂ-રાજકીય અસ્થિરતા હોવા છતાં આ નિકાસ વૃદ્ધિ ભારતીય ઉદ્યોગ સાહસિકોની ક્ષમતાનો પુરાવો છે.

વાણિજ્ય મંત્રાલયના નિવેદન મુજબ, ભારતની વેપારી માલની નિકાસ પણ ૩૬૬.૬૩ બિલિયન ડોલર  પર પહોંચી છે, જે અગાઉના વર્ષ કરતા ૨.૨૦ ટકા વધુ છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ અને નવી નિકાસ નીતિઓને કારણે નિકાસકારોને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવાનું બળ મળ્યું છે. જો આ જ ગતિ જળવાઈ રહેશે, તો નાણાકીય વર્ષના અંત સુધીમાં ભારત નિકાસના નવા રેકોર્ડ સ્થાપિત કરશે. ભારતની આ મજબૂત આર્થિક સ્થિતિ તેને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધારી રહી છે.

(10:53 AM IST)