<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન: વિઝિટ વિઝા પર બોલાવેલા મહેમાન જો વધુ રોકાશે, તો સ્પોન્સરને થશે જેલ અને લાખોનો દંડ

નિયમો તોડનારા મહેમાનોની જાણ ન કરનાર સ્પોન્સરને ૫૦,૦૦૦ રિયાલનો દંડ અને દેશનિકાલની સજા; એક જ મહિનામાં ૨૦,૦૦૦ જેટલા ઉલ્લંઘનો સામે આવતા તંત્ર લાલચોળ

રિયાધ: તા.૧૭ સાઉદી અરેબિયામાં રહેતા બિન-નિવાસી ભારતીયો અને સ્થાનિક નાગરિકો માટે સાઉદી સરકારે લાલ આંખ કરી છે. સાઉદી જાહેર સુરક્ષા વિભાગે કડક ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિએ કોઈને વિઝિટ વિઝા પર બોલાવ્યા હોય અને તે મહેમાન વિઝાની મુદત પૂરી થયા પછી પણ ત્યાં જ રોકાય (ઓવરસ્ટે), તો તેની જવાબદારી સ્પોન્સરની રહેશે. આ નિયમનો ભંગ કરનાર સ્પોન્સરને હવે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.
ભારે દંડ અને જેલની જોગવાઈ
સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, જો કોઈ સ્પોન્સર તેના મહેમાનના વિઝા ઓવરસ્ટે વિશે તંત્રને જાણ કરવામાં નિષ્ફળ જશે, તો તેને ૫૦,૦૦૦ સાઉદી રિયાલ (આશરે ૧૧ લાખ ભારતીય રૂપિયા) સુધીનો મોટો દંડ થઈ શકે છે. આટલું જ નહીં, આવા સ્પોન્સરને ૬ મહિનાની જેલની સજા પણ ભોગવવી પડી શકે છે. જો સ્પોન્સર પોતે બિન-સાઉદી નિવાસી (જેમ કે ભારતીય પ્રવાસી) હોય, તો તેને કાયમ માટે દેશનિકાલ કરવાની પણ જોગવાઈ છે.
એક જ મહિનામાં હજારો કેસ નોંધાયા
જનરલ ડિરેક્ટોરેટ ઓફ પાસપોર્ટ્સે જાહેર કરેલા આંકડા મુજબ, રજબ (૨૦૨૬)ના એક જ મહિનામાં રહેઠાણ, શ્રમ અને સરહદ સુરક્ષા નિયમોના ઉલ્લંઘન બદલ ૧૯,૫૫૯ વહીવટી નિર્ણયો લેવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે વિઝા નિયમોનું પાલન ન કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે સરકાર હવે વધુ કડક બની છે.
ગેરકાયદે લોકોને આશરો આપવો ગુનો
પાસપોર્ટ ડિરેક્ટોરેટે સ્પષ્ટ કર્યું છે કે વિઝિટ વિઝાની મુદત પૂરી થઈ હોય તેવા લોકોને પરિવહન આપવું, આશ્રય આપવો કે નોકરી પર રાખવા એ ગંભીર ગુનો છે. જો કોઈ પણ વ્યક્તિ આવા ઉલ્લંઘન કરનારાઓને છુપાવવામાં મદદ કરશે, તો તેને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. તંત્રએ લોકોને અપીલ કરી છે કે તેઓ આવા ઉલ્લંઘનની તાત્કાલિક જાણ કરે, અને ખાતરી આપી છે કે જાણ કરનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.
સારા સમાચાર: એક જ વિઝા પર આખા ગલ્ફની મુસાફરી
કડક નિયમોની વચ્ચે પ્રવાસીઓ માટે એક ખુશખબર પણ છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોએ ‘એકીકૃત પ્રવાસી વિઝા’ (Unified Tourist Visa) ને મંજૂરી આપી દીધી છે. યુરોપના શેંગેન વિઝા મોડલ પર આધારિત આ વિઝા ટૂંક સમયમાં શરૂ થશે, જેના દ્વારા પ્રવાસીઓ એક જ વિઝા પર સાઉદી અરેબિયા, UAE, કુવૈત, કતાર, ઓમાન અને બહેરીન જેવા દેશોની મુસાફરી કરી શકશે.

(4:25 PM IST)