News of Tuesday, 17th February 2026
યુપીમાં ફેબ્રુઆરીમાં જ મે મહિના જેવો અહેસાસ: આગ્રામાં ગરમીએ ૩ વર્ષનો રેકોર્ડ તોડ્યો, સૂર્યદેવના આકરા તેવરથી લોકો પરસેવે રેબઝેબ
તાજ નગરીમાં પારો ૩૨.૨ ડિગ્રીને પાર, ઝાંસી અને પ્રયાગરાજમાં પણ ઉનાળાની વહેલી એન્ટ્રી; જાણો ક્યારે મળશે ગરમીથી રાહત અને ક્યાં પડશે વરસાદ

લખનૌ: તા.૧૭ ઉત્તર પ્રદેશમાં આ વર્ષે ઠંડીએ વિદાય લેતાની સાથે જ ઉનાળાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હજુ તો ફેબ્રુઆરી મહિનો અડધો જ પસાર થયો છે ત્યાં જ રાજ્યના અનેક શહેરોમાં માર્ચ-એપ્રિલ જેવી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને તાજ નગરી આગ્રામાં સોમવારે તાપમાનનો પારો ૩૨.૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતા છેલ્લા ૩ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.
રેકોર્ડબ્રેક ગરમી અને બદલાતું હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગ્રામાં નોંધાયેલું આ તાપમાન સામાન્ય કરતાં ૫ ડિગ્રી વધુ છે. અગાઉ ૨૦૨૫માં ૩૧.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માત્ર આગ્રા જ નહીં, પરંતુ પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સૂર્યનારાયણ આકરા પાણીએ હોય તેમ વર્તી રહ્યા છે. અલીગઢમાં તાપમાન સામાન્યથી ૬.૧ ડિગ્રી વધીને ૩૦ ડિગ્રી પર પહોંચી ગયું છે, જ્યારે ઝાંસી (૩૧.૮ ડિગ્રી) અને પ્રયાગરાજ (૩૧.૬ ડિગ્રી) પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે.
રાતની ઠંડી હવે ભૂતકાળ બનશે?
રાજધાની લખનૌમાં પણ પારો ૨૮.૯ ડિગ્રી પર પહોંચ્યો છે. જોકે, અત્યારે રાતનું તાપમાન થોડું નીચું રહે છે, જેમાં બાંદા ૯.૨ ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું. પરંતુ હવામાનશાસ્ત્રીઓના મતે, આગામી ૨-૩ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થશે, જેના કારણે રાત્રે અનુભવાતી ગુલાબી ઠંડી પણ લગભગ સમાપ્ત થઈ જશે અને ઉકળાટ વધશે.
વરસાદની આગાહી: ગરમીમાં મળશે આંશિક રાહત
ગરમીના આ પ્રકોપ વચ્ચે એક રાહતના સમાચાર પણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય થઈ રહ્યો છે. આના કારણે ૧૮ ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડવાની શક્યતા છે. વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ વાદળોને કારણે ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
