<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

"બાપ પાસે પૈસા હોય તો રસ્તા પર કોઈનો જીવ લેવો એ ખેલ છે?" : દ્વારકા અકસ્માતમાં પુત્ર ગુમાવનાર માતાનો કાળજું ચીરી નાખતો સવાલ

રીલ્સ બનાવવાના ચક્કરમાં સગીર ડ્રાઈવરે ૨૩ વર્ષીય સાહિલને કચડ્યો; માતાએ કહ્યું- "ધનવાન પિતાની બેદરકારીએ મારો એકનો એક દીકરો છીનવી લીધો, આ અકસ્માત નહીં પણ હત્યા છે"

નવી દિલ્હી: તા.૧૭ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ૩ ફેબ્રુઆરીના રોજ થયેલા ભયાનક હિટ-એન્ડ-રન કેસે સમગ્ર દેશમાં આક્રોશ જન્માવ્યો છે. સ્પીડ અને સોશિયલ મીડિયા રીલ્સના ગાંડપણમાં ૨૩ વર્ષીય સાહિલ ધનેશ્રાનું મૃત્યુ થયું હતું. હવે સાહિલની માતા ઇન્નાએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જે શબ્દો કહ્યા છે, તે સમાજ અને કાયદાની આંખો ખોલી નાખે તેવા છે.
પૈસાના નશામાં ચૂર ગુનાહિત માનસિકતા
પુત્રના વિયોગમાં તૂટી પડેલી માતાએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું કે, "આજકાલના અમુક બાળકો એમ માને છે કે જો તમારા પિતા પાસે અઢળક પૈસા હોય, તો તમે રસ્તા પર ગમે તે કરી શકો છો. આ માત્ર એક અકસ્માત નથી, પણ ગુનાહિત માનસિકતા છે. તેના (સગીર ડ્રાઈવર) પિતાને ખબર હતી કે દીકરો અગાઉ પણ અનેકવાર ઓવરસ્પીડિંગમાં ઝડપાયો છે, છતાં તેમણે તેને ગાડી કેમ આપી? શું પૈસાથી કોઈનો જીવ ખરીદી શકાય છે?"
 
રીલ્સની લ્હાયમાં ખેલાયો મોતનો ખેલ
માતાએ અકસ્માતની ભયાનકતા વર્ણવતા કહ્યું કે, મારો દીકરો ઓફિસ જવા નીકળ્યો હતો. બીજી તરફ, એક સગીર છોકરો સ્કોર્પિયોમાં તેની બહેન સાથે રીલ બનાવી રહ્યો હતો. તે બસની સામે ખતરનાક સ્ટંટ કરી રહ્યો હતો અને ખોટી લેનમાં આવીને મારા દીકરાની બાઇકને જોરદાર ટક્કર મારી. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્પોર્ટ્સ બાઇકના ત્રણ ટુકડા થઈ ગયા હતા.
 
પોલીસનો ફોન અને 10 મિનિટ સુધી બેભાન માતા
ઘટનાના દિવસે જ્યારે પોલીસનો ફોન આવ્યો, ત્યારે માતાને વિશ્વાસ નહોતો આવતો. તે જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પોતાના જુવાનજોધ દીકરાનો લોહીલુહાણ દેહ અને ફાટી ગયેલું જેકેટ જોઈને તે ૧૦ મિનિટ સુધી બેભાન થઈ ગઈ હતી. સાહિલના શરીરમાં એટલી ગંભીર ઇજાઓ હતી કે તેને હોસ્પિટલ પહોંચવાની તક પણ ન મળી. આ અકસ્માતમાં એક કેબ ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો જે હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.
 
ન્યાયની માંગ અને સિસ્ટમ પર સવાલ
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે મુખ્ય આરોપી સગીર હોવાથી તેને બોર્ડની પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન મળી ગયા છે. આ બાબતે માતાએ સવાલ ઉઠાવ્યો છે કે, શું કોઈના દીકરાને કચડી નાખ્યા પછી પરીક્ષા આપવી ન્યાયી છે? "મારે મારો દીકરો પાછો જોઈએ છે અથવા તો આ ગુનેગારોને એવી સજા મળવી જોઈએ કે ફરી કોઈ પિતા પોતાના સગીર સંતાનને મોતનું વાહન ન સોંપે," તેમ રડતી આંખે માતાએ ઉમેર્યું હતું.

(4:36 PM IST)