<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

પ્રેમિકાના મોતના શોકને બદલે મિલકત પર નજર: હૈવાન બોયફ્રેન્ડે ₹૫ કરોડ હડપવા બનાવ્યું નકલી લગ્ન સર્ટિફિકેટ અને 'ફેક' વસિયતનામું; પુત્રીના હક માટે મામાએ લડી જંગ

કેન્સરથી પીડાતી માતાના મોત બાદ તેના જ પાર્ટનરે આચરી ભયાનક છેતરપિંડી; સાયપ્રસમાં ગુપ્ત લગ્નનો કર્યો ડોળ – બ્રિટિશ હાઈકોર્ટે નરાધમને એસ્ટેટમાંથી હાંકી કાઢ્યો

લંડન: માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો લંડનની હાઈકોર્ટમાં સામે આવ્યો છે. લંડનમાં સફાઈ કંપની ચલાવતી ૪૬ વર્ષીય કેસી સિનારનું ઓક્ટોબર ૨૦૨૩માં સ્તન કેન્સરને કારણે કરુણ નિધન થયું હતું. કેસીએ પોતાની પાછળ આશરે £૫૦૦,૦૦૦ (અંદાજે ૫ કરોડ રૂપિયાથી વધુ)ની સંપત્તિ અને ૧૬ વર્ષની માસૂમ પુત્રી જોસીને છોડી હતી. પરંતુ, કેસીના નિધન બાદ તેની મિલકત પર તેના જ ‘ઝેરી’ અને અત્યાચારી બોયફ્રેન્ડ સેંગીઝ આરિફની મેલી નજર પડી હતી.
છેતરપિંડીનું ખતરનાક કાવતરું
કેસીએ ૨૦૨૨માં પોતાની વસિયત બનાવી હતી, જેમાં બધી જ મિલકત પુત્રી જોસીના નામે ટ્રસ્ટમાં મૂકી હતી. પરંતુ સેંગીઝ આરિફે (જે જોસીનો પિતા પણ છે) દાવો કર્યો કે કેસીએ મૃત્યુ પહેલા મે ૨૦૨૩માં નવી વસિયત બનાવી હતી, જેમાં બધું જ તેના નામે કરી દીધું હતું. એટલું જ નહીં, તેણે એવો પણ જૂઠો દાવો કર્યો કે ૨૦૦૬માં તેણે સાયપ્રસમાં કેસી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, જેથી તેને કાનૂની વારસદાર તરીકે વધુ હક મળે.
 
મૃત્યુશય્યા પર છોડીને સાયપ્રસ ભાગી ગયો હતો
કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓ મુજબ, જ્યારે કેસી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહી હતી, ત્યારે આ ‘નિષ્ઠુર’ બોયફ્રેન્ડ તેને એકલી મૂકીને બે અઠવાડિયા માટે સાયપ્રસ જલસા કરવા ભાગી ગયો હતો. કેસીના ભાઈ અર્નેસ્ટે કોર્ટમાં જણાવ્યું કે આ સંબંધ અત્યંત શોષણયુક્ત અને માનસિક ત્રાસથી ભરેલો હતો. આ નરાધમે તો હદ ત્યારે કરી જ્યારે તેણે કેસીના પરિવારને તેના અંતિમ સંસ્કારમાં હાજર રહેવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
 
હાઈકોર્ટે ખોલી પોલ: લગ્ન અને વસિયત બંને ‘બનાવટી’
ચીફ માસ્ટર કરેન શુમને ચુકાદો આપતા જણાવ્યું કે સેંગીઝ દ્વારા રજૂ કરાયેલ લગ્ન પ્રમાણપત્ર તદ્દન નકલી હતું. તપાસમાં બહાર આવ્યું કે તે તારીખે સાયપ્રસમાં કોઈ લગ્ન થયા જ નહોતા અને જે રજિસ્ટ્રારની સહી હતી તેવો કોઈ માણસ ત્યાં નોકરી પર જ નહોતો. હસ્તાક્ષર નિષ્ણાતોએ પણ પુષ્ટિ કરી કે ૨૦૨૩ની વસિયતમાં કેસીની સહીની નકલ કરવાનો પ્રયાસ થયો હતો.
ઐતિહાસિક દંડ અને હુકમ
•    અદાલતે ૨૦૨૨ની અસલી વસિયતને માન્ય રાખી છે, જે મુજબ તમામ મિલકત હવે તેની પુત્રી જોસીને મળશે.
•    સેંગીઝ આરિફને એસ્ટેટના ટ્રસ્ટી પદેથી તાત્કાલિક દૂર કરાયો છે અને મિલકતને અડકવા પર પ્રતિબંધ મૂક્યો છે.
•    કોર્ટે તેને કેસના ખર્ચ પેટે £૨૦૬,૦૦૦ (આશરે ૨.૨૦ કરોડ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો છે.
હાલમાં કેસીની પુત્રી તેના મામા અર્નેસ્ટ અને મામી મિશેલ સાથે સુરક્ષિત છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે સંપત્તિની લાલચમાં સંબંધો કેટલા હદે નીચે જઈ શકે છે.

(7:22 PM IST)