News of Tuesday, 17th February 2026
પાણી પીવાની રીત બદલાઈ ગઈ! હવે સાદું પાણી પણ લાગશે કોલા અને કોફી જેવું; જાણો શું છે આ ₹૫,૫૦૦ની કિંમતી 'એરોમા ફ્લેવર' બોટલ
નવી ટેકનોલોજીથી મગજને ‘ઉલ્લૂ’ બનાવીને પાણી પીવાનો ટ્રેન્ડ; ખાંડ કે કેલરી વગર મળશે મનગમતો સ્વાદ – જનરેશન ઝેડ અને સેલિબ્રિટીઝમાં ભારે ક્રેઝ

રાજકોટ: સાદું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પરંતુ ઘણા લોકોને તે કંટાળાજનક લાગે છે. આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બજારમાં આવી છે 'એરોમા ફ્લેવર વોટર બોટલ'. આ કોઈ સામાન્ય બોટલ નથી, પણ એક એવી ટેકનોલોજી છે જે તમારા મગજને એવો ભ્રાસ કરાવે છે કે તમે સાદું પાણી નહીં પણ કોઈ ફ્લેવરવાળું ડ્રિંક પી રહ્યા છો. ઈન્ટરનેટ પર 'એર અપ' (Air Up) અને 'વેવએક્સ' (WaveX) જેવી બ્રાન્ડ્સ અત્યારે ધૂમ મચાવી રહી છે.
કેવી રીતે કામ કરે છે આ જાદુઈ બોટલ?
આ બોટલની ડિઝાઈન પાછળ એક વૈજ્ઞાનિક સમજણ છે. બોટલના ઉપરના ભાગમાં એક 'ફ્લેવર પોડ' (Flavor Pod) લગાવવામાં આવે છે. જ્યારે તમે સ્ટ્રો દ્વારા પાણી પીવો છો, ત્યારે પાણીની સાથે સુગંધિત હવા તમારા નાક વાટે મગજ સુધી પહોંચે છે. આપણું મગજ ૮૦% સ્વાદ સુગંધ દ્વારા જ પારખે છે, એટલે સાદું પાણી પીતી વખતે પણ તમને ચેરી કોલા, બબલ ગમ કે હની પીચ જેવો સ્વાદ અનુભવાય છે.
ઝીરો કેલરી, ઝીરો શુગર પણ કિંમત આસમાને
આ બોટલનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં કોઈ ખાંડ, કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સ હોતા નથી. જે લોકો સોડા કે પેકેજ્ડ જ્યુસ પીવાના આદિ છે, તેમના માટે આ એક હેલ્ધી વિકલ્પ છે. જોકે, આ શોખ થોડો મોંઘો છે. યુરોપ અને ભારતના બજારોમાં આ બોટલની કિંમત ₹૪,૦૦૦ થી ₹૬,૫૦૦ ની વચ્ચે છે. વળી, એક ફ્લેવર પોડ માત્ર ૫ લિટર પાણી સુધી જ ચાલે છે, જેનો અલગથી ખર્ચ કરવો પડે છે.
સાવધાની પણ જરૂરી
નિષ્ણાતોના મતે, આ બોટલ વાપરતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તેની સ્ટ્રો કે પોડને સમયાંતરે સાફ ન કરવામાં આવે, તો ભેજને કારણે તેમાં બેક્ટેરિયા પેદા થઈ શકે છે જે બીમારી નોતરી શકે છે. વળી, જેમને કુદરતી સ્વાદ ગમતો હોય તેમના માટે આ માત્ર એક મોંઘો સોશિયલ મીડિયા પ્રચાર (Hype) પણ હોઈ શકે છે.
જો તમે આટલા પૈસા ખર્ચવા ન માંગતા હોવ, તો ઘરે પણ 'DIY' રીતે સુગંધિત પાણી બનાવી શકાય છે. કોટન બોલ પર ફૂડ-ગ્રેડ ઓઈલ લગાવી તેને બોટલના કેપ પાસે રાખીને તમે આવો જ અનુભવ લઈ શકો છો. ટૂંકમાં, આ બોટલ અત્યારે હેલ્થ કરતાં વધુ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગઈ છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
