News of Tuesday, 17th February 2026
સુપ્રીમ કોર્ટની વકીલોને 'કાનૂની' ફટકાર: "AI ના ભરોસે ખોટા દસ્તાવેજો રજૂ કરશો તો ખેર નથી!"
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે AI દ્વારા લખાતી અરજીઓ સામે લાલ આંખ કરી : વકીલો 'ચેટબોટ' ના સહારે અસ્તિત્વમાં ન હોય તેવા કાલ્પનિક ચુકાદાઓ ટાંકી રહ્યા હોવાનો ધડાકો

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં અત્યારે કૃત્રિમ બુદ્ધિ (AI) ના દુરુપયોગને લઈને એક મોટો વિવાદ છેડાયો છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે વકીલો દ્વારા કરવામાં આવતા AI ના અંધાધૂંધ ઉપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, કેટલાક વકીલો પોતાની અરજીઓ લખવા માટે AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે, જે ઘણીવાર એવા કાયદાકીય ચુકાદાઓ ટાંકે છે જે વાસ્તવમાં ક્યારેય અસ્તિત્વમાં જ નહોતા. સીજેઆઈએ ચેતવણી આપી છે કે મશીન દ્વારા તૈયાર કરાયેલી આ કાલ્પનિક અને ખોટી માહિતી ન્યાયિક વ્યવસ્થા માટે 'ગંભીર ખતરો' સમાન છે.
કોર્ટે આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, વકીલો તથ્યોની ચકાસણી કર્યા વિના જ 'કોપી-પેસ્ટ' સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યા છે. AI દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટમાં ઘણીવાર ગંભીર ભૂલો અને અધૂરી વિગતો હોય છે, જે અદાલતનો કિંમતી સમય બગાડે છે. જસ્ટિસ સૂર્યકાન્તે સ્પષ્ટ કર્યું કે કાયદાકીય લડાઈ માત્ર નિયમોથી નથી લડાતી, પરંતુ તેમાં અનુભવ, વિવેકબુદ્ધિ અને સંવેદનાની જરૂર હોય છે, જે કોઈ મશીન કે સોફ્ટવેર ક્યારેય પૂરી પાડી શકતું નથી. વકીલોની નૈતિક જવાબદારી છે કે તેઓ દરેક દસ્તાવેજને વ્યક્તિગત રીતે તપાસે અને તેની સત્યતાની ખાતરી કરે.
ભવિષ્ય માટે કડક સંદેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો ખોટા તથ્યો ધરાવતી આવી અરજીઓ સબમિટ કરવામાં આવશે, તો સંબંધિત વકીલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, કોર્ટે સ્વીકાર્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ રિસર્ચ કે જૂના કેસ શોધવા માટે કરવામાં આવે તો તે આવકારદ્ય છે, પરંતુ તે વકીલની વ્યાવસાયિક સમજનો વિકલ્પ ન બની શકે. આ ટિપ્પણી સાથે સર્વોચ્ચ અદાલતે ટેકનોલોજી અને ન્યાયતંત્ર વચ્ચે એક સ્પષ્ટ 'લક્ષ્મણ રેખા' દોરી દીધી છે, જે હવે દરેક કાનૂની વ્યાવસાયિકે પાળવી પડશે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
