<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

યુપી બનશે ગ્લોબલ હબ: મુખ્યમંત્રી યોગી સિંગાપોર અને જાપાનના ચાર દિવસીય પ્રવાસે; વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે તૈયાર કરાયો મેગા પ્લાન

૨૨ ફેબ્રુઆરીથી શરૂ થશે હાઈ-પ્રોફાઈલ પ્રવાસ, ૧૮ વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ સાથે રહેશે – ટોક્યોમાં જાપાનીઝ કંપનીઓ સાથે યોજાશે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ

લખનૌ:  ઉત્તર પ્રદેશને વન ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના મિશન સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી એકવાર વિદેશી ધરતી પર યુપીની તાકાતનું પ્રદર્શન કરશે. ૨૨ ફેબ્રુઆરીથી મુખ્યમંત્રી સિંગાપોર અને જાપાનના ચાર દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને નવી ગતિ આપવાનો અને લાખો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે.
સિંગાપોર અને જાપાનમાં રોકાણકારો સાથે મંત્રણા
મુખ્યમંત્રીના પ્રસ્તાવિત કાર્યક્રમ મુજબ, ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીએ તેઓ સિંગાપોરમાં સ્માર્ટ સિટી અને શહેરી વિકાસના ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીએ જાપાનની રાજધાની ટોક્યોમાં "ઉત્પાદન, ગતિશીલતા અને ટેકનોલોજી" વિષય પર એક ભવ્ય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે. જેમાં જાપાનની દિગ્ગજ ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિક વાહન અને એન્જિનિયરિંગ કંપનીઓ ભાગ લેશે.
 
મજબૂત પ્રતિનિધિમંડળ અને ‘ઇન્વેસ્ટ યુપી’નું પ્રેઝન્ટેશન
આ પ્રવાસમાં મુખ્યમંત્રીની સાથે નાણામંત્રી સુરેશ ખન્ના અને ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદગોપાલ ગુપ્તા 'નંદી' સહિત ૧૮ ઉચ્ચ અધિકારીઓનો કાફલો જોડાશે. 'ઇન્વેસ્ટ યુપી'ની ટીમ વિદેશી રોકાણકારો સામે ગ્રીન હાઇડ્રોજન, પ્રવાસન સર્કિટ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) જેવા ક્ષેત્રોમાં રહેલી તકો વિશે વિગતવાર પ્રેઝન્ટેશન આપશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ત્યાં વસતા ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.
 
ડેપ્યુટી સીએમ યુકે-જર્મનીમાં ગજવશે ડંકો
માત્ર મુખ્યમંત્રી જ નહીં, પણ ૨૨ ફેબ્રુઆરીએ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નેતૃત્વમાં ૧૫ સભ્યોનું અન્ય એક પ્રતિનિધિમંડળ યુનાઇટેડ કિંગડમ (UK) અને જર્મનીના પ્રવાસે જશે. સરકારને આશા છે કે આ મુલાકાતથી આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે યુરોપિયન દેશો તરફથી મોટા રોકાણ દરખાસ્તો મળી શકે છે.
યુપી સરકારના આ આક્રમક ‘ઈન્વેસ્ટમેન્ટ ડ્રાઈવ’ થી રાજ્યમાં ઔદ્યોગિક ક્રાંતિ આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે આ વિદેશ પ્રવાસના અંતે રાજ્યની તિજોરીમાં કેટલા અબજો રૂપિયાનું રોકાણ આવે છે.

(9:09 PM IST)