News of Tuesday, 17th February 2026
AI ના મેદાનમાં રિલાયન્સ vs અદાણી: એન્જિનિયરોને નોકરીએ રાખવા માટે અબજો ડોલરનું ‘ટેલેન્ટ વૉર’; ઇન્ડિયા AI સમિટમાં પ્રતિભા શોધવા મચી હોડ
અદાણીનું $100 બિલિયન અને ગુગલનું $15 બિલિયનનું માતબર રોકાણ; સુંદર પિચાઈથી લઈને સેમ ઓલ્ટમેન સુધીના દિગ્ગજોનો જમાવડો – એન્જિનિયરોના રિઝ્યુમ અને GitHub પ્રોફાઇલ પર કંપનીઓની નજર

મુંબઈ: ભારતના બે સૌથી મોટા બિઝનેસ ટાયકૂન્સ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી હવે માત્ર જમીન કે સમુદ્ર પર જ નહીં, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના આભાસી વિશ્વમાં પણ સામસામે છે. મુંબઈમાં ચાલી રહેલી 'ઇન્ડિયા AI સમિટ' માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપ વચ્ચે શ્રેષ્ઠ AI એન્જિનિયરોને પોતાની ટીમમાં સામેલ કરવા માટે જાણે યુદ્ધ છેડાયું છે. કંપનીના ટોચના અધિકારીઓ હવે પરંપરાગત રીતો છોડીને સીધા જ આ કોન્ફરન્સમાં યુવા પ્રતિભાઓના રિઝ્યુમ ચકાસી રહ્યા છે.
દુનિયાના દિગ્ગજોનો ભારત પર ભરોસો
આ સમિટમાં આલ્ફાબેટના સુંદર પિચાઈ, OpenAI ના સેમ ઓલ્ટમેન અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જેવા વૈશ્વિક નેતાઓની હાજરીએ સાબિત કર્યું છે કે ભારત હવે વિશ્વનું AI હબ બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સોફ્ટવેર ક્ષમતા આજે વિશ્વભરમાં ડંકો વગાડી રહી છે. અત્યાર સુધીમાં ભારતમાં AI ક્ષેત્રે ૫૦ અબજ ડોલરનું જંગી રોકાણ થઈ ચૂક્યું છે.
રોકાણનો મહાકુંભ: $૧૦૦ બિલિયનનો અદાણીનો માસ્ટર પ્લાન
અદાણી ગ્રુપે ૨૦૩૫ સુધીમાં ડેટા સેન્ટરો વિકસાવવા માટે ૧૦૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. બીજી તરફ, ટેક જાયન્ટ ગુગલે પણ ભારતમાં પોતાનું પ્રથમ AI હબ બનાવવા માટે ૧૫ અબજ ડોલર ફાળવ્યા છે. ઇન્ફોસિસ અને એન્થ્રોપિક વચ્ચેની નવી ભાગીદારી પણ ઉદ્યોગ જગતમાં નવી આશા જન્માવી રહી છે.
કુશળ એન્જિનિયરોની ભારે અછત
ભલે અબજો ડોલરનું રોકાણ આવી રહ્યું હોય, પણ ઉદ્યોગ જગત અત્યારે 'સ્કિલ્ડ ટેલેન્ટ' ની અછતનો સામનો કરી રહ્યું છે. અદાણીકોનેક્સના એક્ઝિક્યુટિવ્સ મુજબ, આ ક્ષેત્ર હજુ નવું છે અને અદ્યતન AI ટૂલ્સ બનાવી શકે તેવા એન્જિનિયરોની ડિમાન્ડ સપ્લાય કરતા ઘણી વધારે છે. ડેલોઇટ અને અર્ન્સ્ટ એન્ડ યંગ જેવી કન્સલ્ટિંગ કંપનીઓ પણ સાયબર સિક્યોરિટી અને AI માટે સ્પેશિયાલિસ્ટોને શોધવા માટે આ સમિટનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી રહી છે.
હવે કંપનીઓ AI સોફ્ટવેર દ્વારા ફિલ્ટર કરવાને બદલે એન્જિનિયરોના GitHub પ્રોફાઇલ્સ (કોડિંગ પોર્ટફોલિયો) જોઈને સીધી જ ઓફર આપી રહી છે. આ સમિટ ભારતીય યુવા એન્જિનિયરો માટે ગોલ્ડન ટિકિટ સાબિત થઈ રહી છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
