<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

સરકારી કંપની BHEL ને લાગ્યો રૂ. ૧,૫૦૦ કરોડનો ‘પાવરફુલ’ જેકપોટ: SAIL તરફથી મળ્યો મોટો ઓર્ડર; ૩ વર્ષમાં ૨૬૩% વળતર આપીને રોકાણકારોને કર્યા માલામાલ

બર્નપુર સ્ટીલ પ્લાન્ટમાં નવા પાવર પ્લાન્ટનું કરશે નિર્માણ – ૩૯ મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક; ઓર્ડર બુક મજબૂત થતા ભેલના શેરમાં સોમવારથી તેજીની આશા

નવી દિલ્હી: ભારતની અગ્રણી સરકારી એન્જિનિયરિંગ કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) માટે આજના સમાચાર કોઈ મોટી લોટરીથી ઓછા નથી. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL) એ ભેલ પર ભરોસો મૂકીને રૂ. ૧,૨૦૦ થી ૧,૫૦૦ કરોડના મોટા પ્રોજેક્ટ માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ (LoA) આપ્યો છે. આ જાહેરાત બાદ બજારના નિષ્ણાતો માને છે કે ભેલની સ્થિતિ વધુ મજબૂત બનશે.

 આ ઓર્ડર પશ્ચિમ બંગાળના બર્નપુર ખાતે આવેલા SAIL ના IISCO સ્ટીલ પ્લાન્ટના વિસ્તરણ સાથે જોડાયેલો છે. ભેલ અહીં ૪.૦૮ MTPA ની વિસ્તરણ યોજના હેઠળ કેપ્ટિવ પાવર પ્લાન્ટ (CPP) તૈયાર કરશે. ખાસ વાત એ છે કે, આ ઓર્ડર ગ્લોબલ ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવ્યો છે, જે ભેલની આંતરરાષ્ટ્રીય સ્તરની ક્ષમતા પુરવાર કરે છે.
 કરાર મુજબ, ભેલ આ પ્રોજેક્ટનું ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, સપ્લાય અને કમિશનિંગ ટર્નકી ધોરણે કરશે. કંપનીએ આ પ્રોજેક્ટને ૩૯ મહિનાની અંદર પૂર્ણ કરીને સોંપવાનો રહેશે. આ પ્રોજેક્ટમાં માત્ર સિવિલ વર્કનો સમાવેશ થતો નથી, બાકીની તમામ જવાબદારી ભેલના શિરે રહેશે.
 BHEL ના શેરે છેલ્લા ૩ વર્ષમાં રોકાણકારોને ૨૬૩% જેટલું તોતિંગ વળતર આપીને સૌને ચોંકાવી દીધા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ ઓર્ડર કોઈ ‘રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન’ નથી, એટલે કે તે સંપૂર્ણપણે પારદર્શક રીતે મેળવાયેલો ઓર્ડર છે. રૂ. ૧,૫૦૦ કરોડ સુધીનો આ ઓર્ડર ભેલની પહેલેથી જ મજબૂત એવી ઓર્ડર બુકમાં વધુ એક મોરપીંછ ઉમેરશે.
પાવર સેક્ટરમાં વધતી જતી માગ અને સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના ભારને કારણે ભેલ આગામી સમયમાં પણ બજારનો ‘ડાર્લિંગ સ્ટોક’ બની રહે તેવી પૂરી સંભાવના છે.

(9:34 PM IST)