<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ફલોટીંગ સોલાર પ્રોજેકટઃ ગુજરાત વાયર ફ્રી સીટી મિશન

ગુજરાતની વીજ વિતરણ વ્‍યવસ્‍થા દેશમાં શ્રેષ્‍ઠઃ લિગ્નાઇટમાંથી ગેસ ઉત્‍પાદનનું આયોજન

ગાંધીનગર, તા. ૧૮: વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને પૂર્ણ કરવા અમારી સરકાર અતિ મહત્‍વપૂર્ણ પ્રોજેકટ પર કામ કરી રહી છે. રાજ્‍યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફલોટિંગ સોલાર પ્રોજેક્‍ટ સ્‍થાપવાનું આયોજન છે. જેના માટે ઈં ૧૫૦ કરોડની જોગવાઇ કરું છું. તેમ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ બજેટ પ્રવચનમાં જણાવ્‍યું હતું.

આત્‍મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્‍ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્‍યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્‍ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ઈં ૬૧૩ કરોડની જોગવાઇ કરું છું.

તેમજ અંડરગ્રાઉન્‍ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્‍પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્‍યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે ઈં ૩૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

Gujarat Unified Digital Stackની પહેલ દ્વારા રાજ્‍યના નાગરિકોને એક જ ડિજિટલ પ્‍લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્‍તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે રૂ. ૧૦૦ કરોડનું આયોજન છે.

રાજ્‍યની વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાને ધ્‍યાને લઇ ૧૬મા નાણાપંચે પોતાના અહેવાલમાં ગુજરાત વીજ વ્‍યવસ્‍થાને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ગણાવી છે.

રાજ્‍યના શહેરી વિસ્‍તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્‍ડ કેબલમાં રૂપાંતર કરવા ‘ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન' અંતર્ગત રૂ. ૫૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાષ્‍ટ્રીય સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્‍તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્‍યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે રૂા. ૧૦૦ કરોડની જોગવાઇ કરું છું

(3:15 PM IST)