<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રાજકોટ સહિત ૪ શહેરોમાં I-HUB સેન્‍ટરઃ એક જિલ્લો, એક ઉત્‍પાદન

ચીજ વસ્‍તુઓ બનાવનારા કારીગરોને પ્રોત્‍સાહન આપવા સ્‍વદેશી હાટ અને ઈ-કોમર્સ પ્‍લેટફોર્મ


 

ગાંધીનગરઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ધારાસભામાં જણાવેલ કે અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્‍ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્‍ટમને વિસ્‍તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્‍ટર સ્‍થાપવામાં આવશે. જેના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

સ્‍ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્‍ય સરકારની નીતિઓથી યુવાનોને ‘‘વિચારથી વ્‍યવસાય'' સુધીનું પ્રોત્‍સાહન મળી રહ્યું છે. યુવાનોની નવીન વિચારશક્‍તિ, ટેકનોલોજી પ્રત્‍યેની અભિરુચી અને સાહસના કારણે અત્‍યાર સુધી આશરે ૧૬ હજાર જેટલા સ્‍ટાર્ટઅપ નોંધાયેલા છે. જેના પરિણામે રાજ્‍યને ભારત સરકાર દ્વારા ‘‘બેસ્‍ટ પરફોર્મર સ્‍ટેટ''નો એવોર્ડ મળેલ છે. જે બદલ રાજ્‍યના યુવાનોને હું અભિનંદન પાઠવું છું.

દેશના ઔદ્યોગિક ઉત્‍પાદનમાં ૧૯%  યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્‍યમ ઉદ્યોગ) ઇકોસિસ્‍ટમ ધરાવે છે. ૨૯ લાખથી વધુ MSME રજીસ્‍ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્‍યોની સૂચીમાં ગુજરાત સ્‍થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્‍સાહન માટે આત્‍મનિર્ભર ગુજરાત સ્‍કીમ ફોર આસિસ્‍ટન્‍સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે રૂ.૧૭૭૫ કરોડની જોગવાઇ સૂચવું છું. 

ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં ૨૫ જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્‍માર્ટ બનાવવામાં આવશે. જેમાં રૂ.૧૨૫૦ કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત રૂ.૫૦ કરોડના રોકાણથી ૧૨૦ મીની GIDCના નવીનીકરણનું આયોજન છે. 

રાષ્ટ્રની માલસામાન નિકાસમાં ૨૬% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્‍થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્‍સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્‍ટેટ એક્‍સપોર્ટ પ્રમોશન કાઉન્‍સીલ (GEPC)ની સ્‍થાપના કરવાની જાહેરાત કરું છું. 

રાજ્‍યએ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિગને વધુ સશક્‍ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ (જોગવાઇઓમાં સુધારા) અધિનિયમ, ૨૦૨૫ અમલમાં મૂક્‍યો છે. જેમાં ૧૧ અધિનિયમો તથા ૫૧૬ જોગવાઇઓમાં હકારાત્‍મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્‍યાં છે. આ સરળીકરણના લીધે ઉત્‍પાદક, વેપારી અને ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્‍યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્‍યો છે.રાજ્‍ય સરકાર આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પ સાથે ‘‘વોકલ ફોર લોકલ''ની પહેલ હેઠળ તમામ જિલ્‍લાઓનાં ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્‍સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્‍યના હાથશાળ-હસ્‍તકલાના અને ગ્રામોદ્યોગના ૯૦ જેટલા ઉત્‍પાદનોને ‘‘એક જિલ્‍લો, એક ઉત્‍પાદન'' અંતર્ગત પસંદ કરવામાં આવ્‍યાં છે. આ ચીજવસ્‍તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્‍વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્‍લેટફોર્મ પૂરું પાડવામાં આવશે

(3:22 PM IST)