<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ટ્રમ્પના 'મિશન દેશનિકાલ'ને મોટો ઝટકો: ઇમિગ્રેશન નીતિઓ સામે અમેરિકી જનતામાં ભારે રોષ, લોકપ્રિયતાનો ગ્રાફ રેકોર્ડબ્રેક નીચે પટકાયો!

રોઇટર્સ/ઇપ્સોસ પોલનો રિપોર્ટ: ટ્રમ્પના ગઢ ગણાતા પુરુષ મતદારોમાં પણ ટેકો ઘટ્યો, માત્ર ૩૮% લોકોએ જ ઇમિગ્રેશન નીતિને યોગ્ય ઠેરવી - જાણો શું છે કારણો.

વોશિંગ્ટન | તા.૧૮: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે રાજકીય મોરચે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. જે ઇમિગ્રેશન (સ્થળાંતર) મુદ્દા પર ટ્રમ્પે ચૂંટણી જીતી હતી, તે જ મુદ્દે હવે તેમની લોકપ્રિયતામાં મોટો ગાબડો પડ્યો છે. તાજેતરના રોઇટર્સ/ઇપ્સોસ પોલ મુજબ, ટ્રમ્પનું ઇમિગ્રેશન મંજૂરી રેટિંગ (Approval Rating) ઘટીને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે એટલે કે ૩૮% પર પહોંચી ગયું છે.
પુરુષ મતદારોમાં વધતો અસંતોષ
ટ્રમ્પની જીતમાં સૌથી મોટો ફાળો પુરુષ મતદારોનો હતો. ૨૦૨૫ દરમિયાન ઇમિગ્રેશન મુદ્દે પુરુષોમાં તેમનું રેટિંગ ૫૦% ની આસપાસ હતું, જે હવે ઘટીને માત્ર ૪૧% રહી ગયું છે. તેવી જ રીતે મહિલાઓમાં પણ આ રેટિંગ ૪૦% થી ઘટીને ૩૫% થઈ ગયું છે. માસ્ક પહેરેલા એજન્ટો દ્વારા કરવામાં આવતા આક્રમક દરોડા અને હિંસક અથડામણોને કારણે સામાન્ય અમેરિકનોમાં ભય અને નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મિનેસોટાની ઘટના અને પીછેહઠ
ટ્રમ્પ વહીવટીતંત્ર માટે સૌથી મોટો ફજેતો મિનેસોટામાં થયો હતો. ત્યાં દેશનિકાલ ઝુંબેશ દરમિયાન ઇમિગ્રેશન એજન્ટોએ ભૂલથી બે યુએસ નાગરિકોને ગોળી મારી દીધી હતી, જેમાં તેમના મોત થયા હતા. આ ઘટના બાદ ટ્રમ્પ સરકારને મિનેસોટામાં પોતાનું અભિયાન અટકાવવાની ફરજ પડી હતી. આ ઘટનાએ ટ્રમ્પની કડક નીતિઓ પર માનવતાવાદી સવાલો ઉભા કર્યા છે.
એકંદર રેટિંગમાં પણ ઘટાડો
ઇમિગ્રેશન સિવાય ટ્રમ્પના એકંદર રાષ્ટ્રપતિ પદના દેખાવની વાત કરીએ તો, ત્યાં પણ ગ્રાફ નીચે ઉતરી રહ્યો છે:
•    જાન્યુઆરી ૨૦૨૫: ૪૭% લોકો કાર્યશૈલીથી સંતુષ્ટ હતા.
•    ફેબ્રુઆરી ૨૦૨૬: આ આંકડો ઘટીને ૩૮% પર સ્થિર થયો છે.
આ ઓનલાઇન મતદાન ૧,૧૧૭ અમેરિકન પુખ્ત વયના લોકો પર કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર માટે ચિંતાની વાત એ છે કે જે મુદ્દાને તેઓ પોતાની સૌથી મોટી શક્તિ ગણતા હતા, તે જ મુદ્દે હવે સામાન્ય જનતા અને ખાસ કરીને તેમના સમર્થક વર્ગમાં અવિશ્વાસ વધી રહ્યો છે.

(4:57 PM IST)