News of Wednesday, 18th February 2026
રીલ્સ બનાવવાની ઘેલછાએ લીધો નિર્દોષનો જીવ: દ્વારકા SUV કાંડમાં સગીરના પિતાનું મૌન તૂટ્યું, જ્યારે ન્યાય માટે ટળવળતી માતાએ કહ્યું- 'મારા દીકરાના હત્યારા પર પુખ્ત વયના તરીકે કેસ ચલાવો!'
માત્ર ૧૬ વર્ષના સગીરના હાથે સ્ટેયરિંગ સોંપનારા પિતા સામે કડક કાર્યવાહીની માંગ: ઇન્સ્ટાગ્રામ વીડિયો માટે સ્પીડમાં દોડતી સ્કોર્પિયોએ બાઇક સવાર સાહિલને કચડ્યો હતો - જાણો શું છે સમગ્ર મામલો.

દ્વારકા (દિલ્હી) | તા.૧૮: દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ૩ ફેબ્રુઆરીના રોજ બનેલા ભયાનક SUV અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર સાહિલ ધનેશરાની માતા, ઈન્ના મકન, આજે પણ પોતાના દીકરાનો ફોટો પકડીને ન્યાય માટે પોકાર કરી રહી છે. બીજી તરફ, અકસ્માત સર્જનાર ૧૬ વર્ષના સગીરના પિતાએ આખરે પોતાનું મૌન તોડ્યું છે અને પસ્તાવો વ્યક્ત કરતા કહ્યું છે કે તેઓ આ ઘટના માટે "માફી" માંગે છે.
ઇન્સ્ટાગ્રામ રીલ માટે સર્જાયો કાળમુખો અકસ્માત
આ અકસ્માતની સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે સગીર સ્કોર્પિયો ચલાવી રહ્યો હતો, ત્યારે તેની બહેન ઇન્સ્ટાગ્રામ રીલ માટે વીડિયો શૂટ કરી રહી હતી. લાલ બહાદુર શાસ્ત્રી કોલેજ નજીક બે લેનવાળા રસ્તા પર સ્કોર્પિયો બેફામ ઝડપે દોડી રહી હતી, જેણે સાહિલની સ્પોર્ટ્સ બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સાહિલની બાઇક ત્રણ ટુકડામાં વહેંચાઈ ગઈ હતી.
માતાની કરુણ વ્યથા અને ન્યાયની માંગ
સાહિલની માતાએ રૂંવાડા ઉભા કરી દેતી વિગતો આપતા કહ્યું, "મારો દીકરો રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. ત્યાં એમ્બ્યુલન્સ હોવા છતાં તેને તરત હોસ્પિટલ લઈ જવાયો નહીં. મેં જ્યારે ચીસો પાડી ત્યારે લોકોએ તેને હાથ-પગ પકડીને કોઈ જ ટેકો આપ્યા વગર ઉપાડ્યો હતો." હવે સાહિલની માતા માંગ કરી રહી છે કે આરોપી સગીરની ઉંમર ભલે ૧૬ વર્ષ હોય, પણ તેણે કરેલા કૃત્ય માટે તેની પર પુખ્ત વયના (Adult) તરીકે કેસ ચલાવવામાં આવે.
ઉંમર છુપાવવાનો પેંતરો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત બાદ કિશોરે પોલીસને એવું કહીને ગેરમાર્ગે દોર્યા હતા કે તેની ઉંમર ૧૯ વર્ષ છે. જોકે, દસ્તાવેજોની તપાસ કરતા જાણવા મળ્યું કે તેનો જન્મ ૨ ઓગસ્ટ, ૨૦૦૯ના રોજ થયો હતો, એટલે કે તે હજુ માત્ર ૧૬ વર્ષનો છે. હાલમાં તેની ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા છે, જેનાથી પીડિત પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે.
પિતાની જવાબદારી પર સવાલ
સગીરના પિતાએ ભલે હવે પસ્તાવો વ્યક્ત કર્યો હોય, પરંતુ પોલીસે તેમની સામે પણ FIR નોંધી છે. સવાલ એ ઉઠે છે કે ડ્રાઇવિંગ લાયસન્સ વગરના સગીર બાળકને પિતાએ જોખમી SUV ચલાવવા કેમ આપી? સાહિલની માતા હવે કોર્ટમાં જઈને વધુ કડક કલમો ઉમેરવાની માંગણી કરવાની તૈયારી કરી રહી છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
