હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિદેશ જનારા સાવધાન! વિઝા એજન્ટોના મોંઘા 'પેકેજ'થી બચો: VFS ગ્લોબલની કડક ચેતવણી - એપોઇન્ટમેન્ટ સ્લોટ વેચાતા નથી, છેતરપિંડીથી સાવધ રહો!
વેકેશન સીઝન પહેલા પ્રવાસીઓ માટે ખાસ એડવાઈઝરી: મુસાફરીના ૧૮૦ દિવસ અગાઉથી જ અરજી શરૂ કરો, 'ગેરંટી વિઝા'ના ખોટા વાયદા કરનારા એજન્ટોથી દૂર રહેવા અપીલ

રાજકોટ | તા.૧૮: ઉનાળાના વેકેશનમાં વિદેશ પ્રવાસનો પ્લાન કરી રહેલા ભારતીયો માટે વિઝા પ્રોસેસિંગ કંપની VFS ગ્લોબલે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. પીક ટ્રાવેલ સીઝન દરમિયાન વિઝા એપોઇન્ટમેન્ટ મેળવવાની ઉતાવળમાં ઘણા પ્રવાસીઓ છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટ્સ મફત છે અને તે કોઈ પણ ત્રીજી વ્યક્તિ કે એજન્સી દ્વારા 'વેચાતા' મળી શકતા નથી.
છેલ્લી ઘડીની ઉતાવળ પડી શકે છે ભારે
VFS ગ્લોબલના ચીફ ઓપરેટિંગ ઓફિસર યુમ્મી તલવારે જણાવ્યું હતું કે, "અમે પ્રવાસીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ મુસાફરીના ઓછામાં ઓછા ૧૮૦ દિવસ (૬ મહિના) અગાઉ અરજી સબમિટ કરી દે. છેલ્લી ઘડીએ વિઝા મેળવવાની લ્હાયમાં લોકો એવા છેતરપિંડી કરનારા એજન્ટોના શિકાર બને છે જેઓ તાકીદનો લાભ લઈને મોટી રકમ પડાવતા હોય છે."
એજન્ટોના આ જૂઠાણાંથી બચો
કંપનીએ ભારપૂર્વક અમુક મુદ્દાઓ સ્પષ્ટ કર્યા છે:
• કોઈ થર્ડ પાર્ટી જોડાણ નથી: VFS ગ્લોબલ કોઈ પણ ખાનગી એજન્સી કે વ્યક્તિ સાથે એપોઇન્ટમેન્ટ આપવા માટે જોડાયેલું નથી.
• વિઝા નિર્ણય પર કોઈ પ્રભાવ નહીં: VFS સ્ટાફ કે કોઈ એજન્ટ વિઝા આપવા કે નકારવાના નિર્ણયમાં કોઈ દખલગીરી કરી શકતા નથી. આ નિર્ણય સંપૂર્ણપણે દૂતાવાસનો જ હોય છે.
• પેમેન્ટની રીત: કંપની ક્યારેય સોશિયલ મીડિયા, SMS કે વોટ્સએપ દ્વારા પેમેન્ટ માંગતી નથી. પેમેન્ટ માત્ર સત્તાવાર વેબસાઇટ અથવા સેન્ટર પર જ કરવાનું હોય છે.
તમારી એપોઇન્ટમેન્ટ અસલી છે કે નકલી?
અરજદારો હવે જાતે જ તપાસ કરી શકે છે કે તેમને મળેલો એપોઇન્ટમેન્ટ લેટર સાચો છે કે નહીં. VFS ની વેબસાઇટ પર 'વેલિડેટ એપોઇન્ટમેન્ટ' વિકલ્પમાં જઈને તમારા પાસપોર્ટ નંબર અને ARN દ્વારા તેને ચકાસી શકાય છે. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તાત્કાલિક પોલીસ અથવા VFS ની ઓફિશિયલ રિપોર્ટિંગ ચેનલ પર જાણ કરવા સલાહ આપવામાં આવી છે.
વધતી ભીડને જોતા, કંપની 'વિઝા એટ યોર ડોરસ્ટેપ' (ઘર બેઠા વિઝા) અને 'પ્રીમિયમ લાઉન્જ' જેવી વૈકલ્પિક સેવાઓ પણ ઓફર કરી રહી છે, જેનો ઉપયોગ પ્રવાસીઓ પોતાની સુવિધા મુજબ કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
