<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

બીમાર દર્દીઓ માટે બનેલી વાનગી આખી દુનિયાનો ફેવરિટ નાસ્તો કેવી રીતે બની? જાણો કોર્નફ્લેક્સની શોધ પાછળની 'ભૂલ' અને બે ભાઈઓ વચ્ચેના જંગની દાસ્તાન!

કોઈ રસોઇયાએ નહીં પણ ડૉક્ટરે કરી હતી શોધ: ૧૮૯૪માં અજાણતા થયેલા એક પ્રયોગે બદલી નાખ્યું દુનિયાનું બ્રેકફાસ્ટ ટેબલ - સ્વાદ માટે ભાઈ-ભાઈ વચ્ચે ખેલાયો હતો કાનૂની જંગ

નવી દિલ્હી | તા.૧૮: શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે 'કોર્નફ્લેક્સ' આજે ફાઇવ-સ્ટાર હોટલોથી લઈને દરેક ઘરના રસોડામાં જોવા મળે છે, તેની શોધ ખરેખર કોઈ સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે નહીં પણ હોસ્પિટલના દર્દીઓ માટે કરવામાં આવી હતી? જી હા, અમેરિકાના મિશિગન રાજ્યની એક હોસ્પિટલમાં જન્મેલી આ વાનગી આજે એક વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે, પણ તેની પાછળની વાર્તા કોઈ ફિલ્મથી કમ નથી.
એક ડૉક્ટરની કડક શિસ્ત અને 'ભૂલ'માંથી સર્જન
વાર્તા શરૂ થાય છે ડૉ. જોન હાર્વે કેલોગથી, જેઓ એક હોસ્પિટલના વડા હતા અને સ્વાસ્થ્ય બાબતે અત્યંત કડક હતા. તેઓ ચા, કોફી અને મસાલેદાર ખોરાકના વિરોધી હતા. દર્દીઓને સાદો અને પૌષ્ટિક ખોરાક આપવા માટે તેઓ તેમના ભાઈ વિલ કીથ કેલોગ સાથે અનાજ પર પ્રયોગો કરતા હતા. ૧૮૯૪માં બાફેલા ઘઉં પર પ્રયોગ કરતી વખતે અજાણતા તે લાંબો સમય ખુલ્લા રહી ગયા અને સુકાઈ ગયા. જ્યારે તેને રોલ કરવામાં આવ્યા, ત્યારે તેના નાના ટુકડા (ફ્લેક્સ) બની ગયા. તેને શેક્યા બાદ જે કડક વાનગી બની, તે દર્દીઓને ખૂબ ભાવી ગઈ.
સ્વાદ અને ખાંડ અંગે ભાઈ-ભાઈ વચ્ચે મનભેદ
જેમ જેમ આ નાસ્તો લોકપ્રિય થયો તેમ બંને ભાઈઓ વચ્ચે વિવાદ શરૂ થયો. ડૉ. જોન કેલોગ તેને માત્ર એક 'આરોગ્યપ્રદ દવા' તરીકે રાખવા માંગતા હતા અને તેમાં ખાંડ ઉમેરવાના સખત વિરોધી હતા. જ્યારે તેમના ભાઈ વિલનું માનવું હતું કે જો આને બજારમાં વેચવું હોય, તો તેમાં થોડો સ્વાદ અને ખાંડ ઉમેરવા જરૂરી છે. આ વિવાદ એટલો વધ્યો કે મામલો કોર્ટ સુધી પહોંચ્યો.
૧૯ ફેબ્રુઆરી ૧૯૦૬: એક નવી કંપનીનો જન્મ
૧૯ ફેબ્રુઆરી ૧૯૦૬ના રોજ વિલ કેલોગ પોતાના ભાઈથી અલગ થયા અને 'બેટલ ક્રીક ટોસ્ટેડ કોર્ન ફ્લેક કંપની' સ્થાપી. તેમણે મકાઈના ફ્લેક્સમાં થોડી ખાંડ ઉમેરી અને જોરદાર જાહેરાતો કરી. પરિણામે વેચાણ રાતોરાત ૧૫ ગણું વધી ગયું. ૧૯૧૧માં કોર્ટની લડાઈ જીત્યા બાદ તેમણે કંપનીનું નામ 'કેલોગ્સ' રાખ્યું.
માત્ર વેપાર જ નહીં, માનવતા પણ
વિલ કેલોગ માત્ર એક ચતુર ઉદ્યોગપતિ જ નહોતા, પણ દયાળુ માલિક પણ હતા. તેઓ દુનિયાના એવા પ્રથમ માલિકોમાંના એક હતા જેમણે કર્મચારીઓ માટે ૮ કલાકના બદલે ૬ કલાકની શિફ્ટ શરૂ કરી હતી. આજે તે હોસ્પિટલનો ખોરાક 'કેલોગ્સ' તરીકે વિશ્વના ૧૮૦થી વધુ દેશોમાં ખવાય છે.

(5:35 PM IST)