<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ઝેલેન્સકીનો પારો ગરમ: "ટ્રમ્પનો અભિગમ અયોગ્ય : રશિયા સાથેની શાંતિ વાટાઘાટો અધવચ્ચે જ તોડી નાખી!

જીનીવામાં મળેલી હાઈ-વોલ્ટેજ બેઠક પરિણામ વિના સમાપ્ત : ડોનબાસ ક્ષેત્ર જતું કરવાના ટ્રમ્પના દબાણ સામે યુક્રેનનો બળવો રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિન અને ટ્રમ્પ બંને પર સાધ્યું નિશાન.

જીનીવા:  સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં અચાનક મોટું વિઘ્ન આવ્યું છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરતા વાટાઘાટો અચાનક સમાપ્ત કરી દીધી છે. ઝેલેન્સકીએ આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પ માત્ર યુક્રેન પાસેથી જ છૂટછાટો માંગી રહ્યા છે અને રશિયા પર કોઈ દબાણ નથી બનાવી રહ્યા. "આ યોગ્ય નથી," તેમ કહેતા ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું કે જો રશિયા જે પ્રદેશો અત્યાર સુધી જીતી શક્યું નથી તે પણ છોડી દેવાની માંગ કરવામાં આવશે, તો યુક્રેનની જનતા તેને લોકમતમાં ક્યારેય સ્વીકારશે નહીં.

જીનીવાની આ બેઠક અબુ ધાબીમાં નિષ્ફળ ગયેલા બે રાઉન્ડ પછીની ત્રીજી મહત્વની બેઠક હતી, પરંતુ અહીં પણ સ્થિતિ તંગ રહી. રશિયાના મુખ્ય વાટાઘાટકાર વ્લાદિમીર મેડિન્સ્કીએ બેઠક પૂર્ણ થયાની પુષ્ટિ કરી હતી, પરંતુ કોઈ આગામી તારીખ આપી નથી. રશિયન સમાચાર એજન્સીઓના મતે મંગળવારની ચર્ચાઓ આશરે છ કલાક સુધી ચાલી હતી અને તે અત્યંત જટિલ હતી. ઝેલેન્સકીના મતે રશિયા જાણી જોઈને પ્રક્રિયા લંબાવી રહ્યું છે જેથી યુદ્ધની ચોથી વર્ષગાંઠ પહેલા કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી શકાય. બીજી તરફ, રશિયાના ઉર્જા માળખા પરના હુમલાઓએ લાખો યુક્રેનિયનોને કડકડતી ઠંડીમાં વીજળી અને ગરમી વગર રહેવા મજબૂર કર્યા છે.

ટ્રમ્પે સોમવારે જ નિવેદન આપ્યું હતું કે યુક્રેને વહેલી તકે વાટાઘાટોના ટેબલ પર આવીને સમાધાન કરવું જોઈએ, જેનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે અમેરિકા યુક્રેનને પૂર્વીય ડોનબાસ ક્ષેત્ર રશિયાને સોંપી દેવા દબાણ કરી રહ્યું છે. રશિયા હાલમાં યુક્રેનના આશરે ૨૦ ટકા ભાગ પર કબજો ધરાવે છે. યુક્રેનિયન પ્રતિનિધિમંડળના વડા રુસ્તમ ઉમેરોવે જણાવ્યું હતું કે વાટાઘાટો માત્ર વ્યવહારિક મુદ્દાઓ પર કેન્દ્રિત હતી, પરંતુ પૂર્વી યુક્રેન પર નિયંત્રણ જેવા મુખ્ય મુદ્દાઓ પર બંને પક્ષો હજુ પણ એકબીજાથી જોજન દૂર છે. અત્યારે તો જીનીવામાં શાંતિની આશા ઠગારી નીવડી હોય તેવું લાગી રહ્યું છે.

\

(6:15 PM IST)