<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

કુદરત હવે માનવીના મુઠ્ઠીમાં! વૈજ્ઞાનિકોએ લેબોરેટરીના 'બોક્સ'માં પેદા કર્યું જીવંત વાદળ : હવે મરજી મુજબ થશે વરસાદ!

યુએસના બ્રુકહેવન નેશનલ લેબોરેટરીનો ચમત્કાર: ગ્રીન લેસર અને અત્યાધુનિક ચેમ્બરમાં વાદળનો 'જન્મ' થયો : હવામાન પરિવર્તનના રહસ્યો ઉકેલાશે અને હવે દુષ્કાળ સામે લડવા વિજ્ઞાન બનશે 'ઈન્દ્રદેવ'

નવી દિલ્હી:  વિજ્ઞાન ક્યારેક કલ્પના કરતા પણ વધુ આશ્ચર્યજનક હોઈ શકે છે, અને અમેરિકાની બ્રુકહેવન નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ તે સાબિત કરી દીધું છે. વર્ષોની મહેનત બાદ, તેમણે એક નાનકડા સ્ટીલના બોક્સમાં આબેહૂબ 'જીવંત' વાદળ બનાવવામાં સફળતા મેળવી છે. જ્યારે લેબોરેટરીમાં ગ્રીન લેસર લાઈટના કિરણો વચ્ચે હવામાં તરતા કણોએ આકાર લેવાનું શરૂ કર્યું, ત્યારે વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા હતા. આ કોઈ જાદુ નથી, પરંતુ 'કન્વેન્શન ક્લાઉડ ચેમ્બર' નામની અત્યાધુનિક ટેકનોલોજી છે, જે પૃથ્વીના વાતાવરણમાં બનતા વાદળોની પ્રક્રિયાને પ્રયોગશાળાની ચાર દીવાલો વચ્ચે આબેહૂબ રીતે દોહરાવી શકે છે.

આ પ્રયોગ માત્ર કુતૂહલ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્યમાં હવામાનની સચોટ આગાહી કરવામાં ક્રાંતિ લાવશે. એક ઘનમીટરના આ ધાતુના બોક્સમાં વૈજ્ઞાનિકો પોતાની ઈચ્છા મુજબ તાપમાન અને ભેજનું સ્તર સેટ કરી શકે છે. આનો અર્થ એ થયો કે વાદળ કેવી રીતે બંધાય છે, વરસાદના ટીપાં ક્યારે અને કેવી રીતે રચાય છે અને એરોસોલ (હવામાંના કણો) વાદળો પર કેવી અસર કરે છે, તેનો સેકન્ડે-સેકન્ડનો અભ્યાસ હવે શક્ય બનશે. અત્યાર સુધી જે વિજ્ઞાન આકાશની ઊંચાઈઓમાં છુપાયેલું હતું, તે હવે વૈજ્ઞાનિકોની નજર સામે ટેબલ પર હશે.

વિશ્વભરમાં વધી રહેલા આબોહવા પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગના જોખમો વચ્ચે આ સફળતા આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ ટેકનોલોજીની મદદથી ભવિષ્યમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં મુશળધાર વરસાદ લાવી શકાશે અથવા વાવાઝોડાની તીવ્રતાને વાદળોના સ્તરે જ નિયંત્રિત કરી શકાશે તેવી આશા જાગી છે. આ 'બોક્સમાં વાદળ' માત્ર વિજ્ઞાનની છલાંગ નથી, પરંતુ કુદરતની સૌથી જટિલ પ્રક્રિયા પર માનવજાતનું મજબૂત નિયંત્રણ મેળવવાની દિશામાં એક ઐતિહાસિક ડગલું છે.

(6:26 PM IST)