News of Wednesday, 18th February 2026
રાજસ્થાન બજેટ પર ભાજપના ધારાસભ્યની વિવાદાસ્પદ ટિપ્પણી: ભાજપના બજેટને 'દીકરા' અને કોંગ્રેસના બજેટને 'દીકરી' સાથે સરખાવ્યું, વિધાનસભામાં ભારે હોબાળો!
"અમે ઉપયોગી એવો 'છોકરો' પેદા કર્યો, જ્યારે કોંગ્રેસે 'છોકરી'..." – બહાદુર સિંહ કોલીના નિવેદનથી લિંગભેદનો વિવાદ વકર્યો: વિપક્ષે ગણાવ્યું મહિલાઓનું અપમાન.

જયપુર:રાજસ્થાન વિધાનસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન એક એવો વિવાદ સામે આવ્યો છે જેણે રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે. વેર બેઠકના ભાજપના ધારાસભ્ય બહાદુર સિંહ કોલીએ બજેટની સરખામણી દીકરા અને દીકરીના જન્મ સાથે કરીને અત્યંત વિવાદાસ્પદ અને લિંગભેદી ટિપ્પણી કરી છે. આ નિવેદનને પગલે વિધાનસભામાં વિપક્ષે જોરદાર વાંધો ઉઠાવ્યો છે.
સોમવારે સાંજે બજેટ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ધારાસભ્ય કોલીએ ભાજપ સરકારના બજેટના વખાણ કરતા મર્યાદા ઓળંગી હતી. તેમણે કહ્યું કે, "ભાજપ સરકારનું બજેટ યુવાનો માટે હતું, તેથી અમે પહેલા, બીજા અને ત્રીજા બજેટમાં 'છોકરો' પેદા કર્યો છે, જે હંમેશા ઉપયોગી અને કામનો હોય છે."
ભાજપના ધારાસભ્ય અહીં જ ન અટક્યા, તેમણે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસ પર નિશાન સાધતા ઉમેર્યું કે, "કોંગ્રેસનું બજેટ વૃદ્ધાવસ્થા જેવું હતું, તેથી ત્યાં 'છોકરી' પેદા થઈ અને આજ કારણ છે કે તેઓ અત્યારે વિપક્ષમાં બેઠા છે." આ નિવેદન દ્વારા તેમણે એવો સંકેત આપ્યો કે દીકરીનો જન્મ અથવા કોંગ્રેસનું બજેટ બિનઉપયોગી છે.
ધારાસભ્યની આ ટિપ્પણીનો વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસે આ નિવેદનને ભાજપની 'મહિલા વિરોધી માનસિકતા' ગણાવી છે. વિપક્ષી નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે એક તરફ સરકાર 'બેટી બચાવો, બેટી પઢાવો'ના નારા લગાવે છે અને બીજી તરફ તેમના જ ધારાસભ્યો દીકરીઓને 'બિનઉપયોગી' કહીને તેમનું અપમાન કરી રહ્યા છે.
આ અગાઉ પણ અનેક નેતાઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે, પરંતુ વિધાનસભાના પવિત્ર ગૃહમાં બજેટ જેવી ગંભીર ચર્ચામાં આવી લિંગભેદી ટિપ્પણી થતા રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
