<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

યુપીના રાજકારણમાં માયાવતીનો મોટો ધડાકો: "બસપા ૨૦૨૭માં એકલા હાથે લડશે અને સત્તા મેળવશે", ગઠબંધનની વાતોને ગણાવી વિરોધીઓનું ષડયંત્ર!

અખિલેશ યાદવના 'પીડીએ' કાર્ડ પર માયાવતીનો પલટવાર: ગઠબંધનથી હંમેશા બસપાને નુકસાન થયું હોવાનો દાવો - સપા, ભાજપ અને કોંગ્રેસ ત્રણેયને ગણાવ્યા આંબેડકર વિરોધી.

લખનૌ:ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) વચ્ચે ગઠબંધન થવાની જે અટકળો ચાલી રહી હતી, તેના પર આજે બસપા સુપ્રીમો માયાવતીએ આકરા પ્રહાર કરીને પૂર્ણવિરામ મૂકી દીધું છે. લખનૌમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બસપા ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં કોઈની પણ સાથે જોડાણ નહીં કરે અને 'એકલા ચલો રે'ની નીતિ અપનાવશે.
માયાવતીએ ખૂબ જ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ બસપાએ કોઈની સાથે ગઠબંધન કર્યું છે, ત્યારે હંમેશા પક્ષને નુકસાન સહન કરવું પડ્યું છે. તેમણે ગઠબંધનના અહેવાલોને અફવા ગણાવતા કહ્યું કે, "આ બધું બસપાના મજબૂત કેડર અને સમર્થકોને ભ્રમિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. વિરોધી પક્ષો ઈચ્છે છે કે બસપા નબળી પડે, પરંતુ અમે ૨૦૨૭માં એકલા લડીને પોતાની સરકાર બનાવીશું."
 વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અખિલેશ યાદવે રવિવારે સંકેત આપ્યો હતો કે બસપા સાથે તેમના સંબંધો સુધરી રહ્યા છે અને તે 'પીડીએ' (પછાત, દલિત, અલ્પસંખ્યક) ના હિતમાં રહેશે. તેમણે કાંશીરામ અને મુલાયમ સિંહ યાદવના જમાનાના ગઠબંધનની પણ યાદ અપાવી હતી. જોકે, ભાજપે તરત જ આના પર વળતો પ્રહાર કરતા પ્રખ્યાત 'ગેસ્ટ હાઉસ કાંડ'ની યાદ અપાવીને આ ગઠબંધનને તકવાદ ગણાવ્યો હતો.
માયાવતીએ સપા, કોંગ્રેસ અને ભાજપ ત્રણેયને એક જ સિક્કાની બે બાજુ ગણાવતા તેમને 'આંબેડકર વિરોધી' ગણાવ્યા હતા. તેમણે પોતાના કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા અને મીડિયામાં ફેલાવવામાં આવતા ખોટા પ્રચારથી દૂર રહે અને પાયાના સ્તરે પક્ષને મજબૂત કરવા પર ધ્યાન આપે. ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની જંગ હવે ત્રિપાંખિયો અને વધુ રોમાંચક બનવા જઈ રહી છે, કારણ કે માયાવતીના આ નિર્ણયથી વિપક્ષી એકતાના સપના પર પાણી ફરી વળ્યું હોય તેમ જણાય છે

(7:18 PM IST)