<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

અજિત પવારનું મૃત્યુ અકસ્માત કે આયોજિત કાવતરું? ભત્રીજા રોહિત પવારનો વિસ્ફોટક ખુલાસો- "પ્લેનને તોડી પાડવામાં આવ્યું, પાઈલટની ભૂમિકા શંકાસ્પદ!"

બારામતી વિમાન દુર્ઘટનાના ૨૧ દિવસ બાદ નવો વળાંક: "કાગળો બચ્યા તો બ્લેક બોક્સ કેવી રીતે બળી ગયું?" - રોહિત પવારે પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી તપાસની દિશા બદલી નાખી.

મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના ૨૮ જાન્યુઆરીએ થયેલા રહસ્યમય વિમાન દુર્ઘટનામાં મોતના મામલે હવે રાજકીય ભૂકંપ આવ્યો છે. દુર્ઘટનાના લગભગ ત્રણ અઠવાડિયા બાદ તેમના ભત્રીજા અને ધારાસભ્ય રોહિત પવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સીધો જ 'કાવતરા'નો આરોપ લગાવ્યો છે. રોહિત પવારના સવાલોએ અત્યારે સમગ્ર મહારાષ્ટ્રના રાજકારણમાં સનસનાટી મચાવી દીધી છે.
   બ્લેક બોક્સ પર સૌથી મોટો સવાલ: રોહિત પવારે ટેકનિકલ મુદ્દાઓ ઉઠાવતા કહ્યું કે, "દુનિયા જાણે છે કે બ્લેક બોક્સ સૌથી સુરક્ષિત ઉપકરણ છે, જે ૧૧૦૦ ડિગ્રી તાપમાનમાં પણ સુરક્ષિત રહે છે. જો વિમાનના ઓછા ગલનબિંદુ ધરાવતા કેબલ અને કાગળો બળી ન ગયા હોય, તો બ્લેક બોક્સ કેવી રીતે ખાખ થઈ ગયું?" તેમણે આક્ષેપ કર્યો કે બ્લેક બોક્સની બાજુમાં જાણીજોઈને વધારાના ઈંધણના કેન રાખવામાં આવ્યા હતા જેથી પુરાવા નાશ પામે.
રોહિત પવારે વધુમાં ચોંકાવનારો દાવો કર્યો છે કે આ ઘટનામાં પાઈલટ સામેલ હોઈ શકે છે. તેમણે પૂછ્યું કે, "ટૂંકી મુસાફરી હોવા છતાં વિમાનની ઈંધણની ટાંકી કેમ ફૂલ કરવામાં આવી હતી? શું વિમાનને જાણીજોઈને તોડી પાડવામાં આવ્યું હતું?" તેમણે એમ પણ ઉમેર્યું કે આ ફ્લાઈટનો કોઈ સત્તાવાર પ્લાન DGCA ને આપવામાં આવ્યો ન હતો, જે સુરક્ષામાં મોટી ખામી અને કાવતરા તરફ ઈશારો કરે છે.
બીજી તરફ, અજિત પવારના પત્ની સુનેત્રા પવારે પણ હવે મૌન તોડ્યું છે. મંગળવારે તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. સુનીલ તટકરે, પ્રફુલ્લ પટેલ અને પાર્થ પવાર જેવા દિગ્ગજ નેતાઓ સાથેના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીને ઔપચારિક પત્ર સોંપીને આ સમગ્ર મામલાની CBI તપાસ કરાવવાની માંગ કરી છે.
અજિત પવાર જેવા કદાવર નેતાનું આ રીતે અચાનક વિદાય થવું અને ત્યારબાદ પરિવાર દ્વારા જ 'કાવતરા'ના આક્ષેપો થવા, તે આગામી દિવસોમાં રાજ્યની રાજનીતિમાં મોટું તોફાન લાવી શકે છે. રોહિત પવારના દાવા બાદ હવે તપાસ એજન્સીઓ પર દબાણ વધી ગયું છે.

(7:20 PM IST)