<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

આસામમાં કોંગ્રેસનું 'ઘર' બચાવવા મેદાનમાં ઉતર્યા પ્રિયંકા ગાંધી: હિમંત બિસ્વા શર્માના માસ્ટરસ્ટ્રોક વચ્ચે ભૂપેન બોરાને રોકવા હાઈકમાન્ડની છેલ્લી ઘડીની કવાયત!

ભૂપેન બોરાના ભાજપમાં જોડાવાના અહેવાલોથી કોંગ્રેસમાં ભૂકંપ: કામાખ્યાના શરણમાં પ્રિયંકા, મધ્યરાત્રિ સુધી બેઠકોનો ધમધમાટ - શું ૨૦૨૬ની ચૂંટણી પહેલા પંજો આંતરિક ઝઘડામાંથી ઉગરી શકશે?

ગુવાહાટી:આસામના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ૩૨ વર્ષ સુધી કોંગ્રેસના વફાદાર રહ્યા બાદ ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભૂપેન બોરા દ્વારા પાર્ટી છોડવાના નિર્ણયે કોંગ્રેસ હાઈકમાન્ડની ઉંઘ ઉડાવી દીધી છે. બીજી તરફ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ૨૨ ફેબ્રુઆરીએ બોરા ભાજપમાં જોડાશે તેવી જાહેરાત કરીને કોંગ્રેસ પર માનસિક સરસાઈ મેળવી લીધી છે. આ સ્થિતિમાં આસામમાં કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવા માટે પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોરચો સંભાળ્યો છે.
ગુરુવારે ગુવાહાટી પહોંચતાની સાથે જ પ્રિયંકા ગાંધીએ નિલાચલ ટેકરી પર સ્થિત પવિત્ર કામાખ્યા મંદિરમાં પૂજા-અર્ચના કરીને પોતાના પ્રવાસના શ્રીગણેશ કર્યા છે. આ મુલાકાતને રાજકીય દૃષ્ટિએ પણ અત્યંત મહત્વની માનવામાં આવે છે, કારણ કે એપ્રિલમાં આસામમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. મંદિરના દર્શન બાદ તેઓ સીધા આસામ કોંગ્રેસના મુખ્યાલય 'રાજીવ ભવન' પહોંચશે.
 મનોબળ વધારવાનો પ્રયાસ: કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગાંધી સવારે ૧૧ વાગ્યાથી લઈને મોડી રાત સુધી પદાધિકારીઓ અને જિલ્લા સ્તરના નેતાઓ સાથે બેઠકો કરશે. તેમનું મુખ્ય ધ્યાન નીચેના મુદ્દાઓ પર રહેશે:
આંતરિક ઝઘડો ડામવો: વરિષ્ઠ નેતાઓના રાજીનામાને રોકવા અને નારાજ નેતાઓને મનાવવા.
સંગઠનાત્મક ફેરફાર: બૂથ સ્તરની સમિતિઓને મજબૂત કરી કેડરમાં નવો ઉત્સાહ ફૂંકવો.
ચૂંટણી વ્યુહરચના: હિમંત બિસ્વા શર્માના આક્રમક પ્રચાર સામે કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરવો.
 મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ દાવો કર્યો છે કે રમત પૂરી થઈ ગઈ છે અને ૨૨ ફેબ્રુઆરીએ કોંગ્રેસના પાયાના નેતા ભાજપનો કેસરીયો ધારણ કરશે. આ સ્થિતિમાં પ્રિયંકા ગાંધી પાસે માત્ર ગણતરીના દિવસો છે કે તેઓ આસામમાં કોંગ્રેસના ગઢને પડતા બચાવી શકે. કોંગ્રેસના કાર્યકરો માને છે કે પ્રિયંકાની હાજરીથી પાર્ટીમાં એકતાનો સંદેશ જશે અને ૨૦૨૬ની ચૂંટણીમાં તેઓ મજબૂતીથી લડી શકશે

(8:30 PM IST)