હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM

ઇસ્લામાબાદ: પાકિસ્તાન માટે રમતગમતના મેદાનમાંથી ફરી એકવાર શરમજનક સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી પાકિસ્તાની નેશનલ હોકી ટીમના ખેલાડીઓને ત્યાંની ધરતી પર જે કડવો અનુભવ થયો છે, તેણે સમગ્ર પાકિસ્તાની હોકી ફેડરેશનની પોલ ખોલી દીધી છે. અહેવાલો અનુસાર, યોગ્ય વ્યવસ્થા અને ભંડોળના અભાવે પાકિસ્તાની ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં રહેવા માટે હોટલ પણ મળી નહોતી, જેના કારણે તેઓ રસ્તાઓ પર ભટકવા મજબૂર બન્યા હતા. આટલું જ નહીં, અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ટીમના ખેલાડીઓએ પોતાનું ગુજરાન ચલાવવા અને જમવાની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક હોટલોમાં પ્લેટો અને વાસણો પણ ધોવા પડ્યા હતા.
ટીમના કેપ્ટન શકીલ અબ્બાસ બટ્ટે ફેડરેશનની ઘોર બેદરકારી સામે બળવો પોકારતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. કેપ્ટને આક્રોશ વ્યક્ત કર્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓને આ રીતે ભિખારી જેવી સ્થિતિમાં મુકવા એ રાષ્ટ્રીય અપમાન છે. મેચ રમવાને બદલે ખેલાડીઓને પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો, જેના કારણે ટીમનું મનોબળ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. આ ઘટનાના પડઘા સીધા વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યા છે, કારણ કે શાહબાઝ શરીફ પોતે હોકી ફેડરેશનના આશ્રયદાતા છે.
પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે આ ગંભીર ગેરવહીવટની તપાસ કરવાના કડક આદેશ આપ્યા છે. પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ (PSB) ના ડાયરેક્ટર જનરલ નૂર ઉસ સબાહે પુષ્ટિ કરી છે કે પીએમના આદેશ બાદ એક વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે અધિકારીઓ ખેલાડીઓના ભંડોળમાં ગેરરીતિ આચરવામાં અથવા પ્રવાસની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા છે, તેમની સામે સસ્પેન્શન અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એક સમયે હોકીમાં વિશ્વ વિજેતા રહેલા પાકિસ્તાનની આ હાલત જોઈને રમત પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM