News of Wednesday, 18th February 2026
રાજસ્થાન વિધાનસભામાં 'બજેટ' પર લિંગભેદનો જંગ: ભાજપ ધારાસભ્યના "દીકરો-દીકરી" વાળા નિવેદને સળગાવ્યું રાજકારણ!
"અમારું બજેટ એટલે દીકરાનો જન્મ, કોંગ્રેસનું હતું દીકરી જેવું" : ધારાસભ્ય બહાદુર સિંહ કોલીના નિવેદન પર કોંગ્રેસ લાલચોળ : ટીકા રામ જુલીએ પૂછ્યું- "શું આ છે મહિલાઓ પ્રત્યેનું તમારું સન્માન?"

જયપુર: રાજસ્થાન વિધાનસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન એક એવો વિવાદ છેડાયો છે જેણે ગરિમાના તમામ સીમાડા ઓળંગી દીધા છે. વૈરા મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય બહાદુર સિંહ કોલીએ વર્તમાન સરકારના બજેટની સરખામણી 'પુત્રના જન્મ' સાથે અને અશોક ગેહલોત સરકારના છેલ્લા બજેટની સરખામણી 'પુત્રીના જન્મ' સાથે કરીને મધપૂડો છંછેડ્યો છે. કોલીએ દાવો કર્યો કે જેઓ યુવાનીમાં પુત્રોને જન્મ આપે છે તે હંમેશા ઉપયોગી થાય છે, જ્યારે કોંગ્રેસે ચૂંટણી પહેલા જાહેરાતોનું જે બજેટ આપ્યું હતું તે દીકરી જેવું હતું, તેથી જ તેઓ આજે વિરોધ પક્ષમાં બેઠા છે. આ નિવેદન બાદ ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સત્તાધારી પક્ષના સભ્યોના હાસ્યએ બળતામાં ઘી હોમ્યું હતું.
વિરોધ પક્ષના નેતા ટીકા રામ જુલીએ આ નિવેદનને અત્યંત શરમજનક અને મહિલા વિરોધી ગણાવતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. અત્યંત ભાવુક થઈને જુલીએ ગૃહમાં કહ્યું, "હું પોતે બે દીકરીઓનો પિતા છું. શું તમે દીકરીઓને દીકરાઓ કરતા નબળી માનો છો? એક તરફ તમે 'બેટી બચાવો'ની વાતો કરો છો અને બીજી તરફ તમારી જ પાર્ટીના ધારાસભ્ય દીકરીના જન્મને અશુભ કે નકામો ગણાવે તેવી ભાષા વાપરે છે." વિપક્ષે આ મામલે ભાજપ પાસેથી માફીની માંગ કરી છે અને સવાલ ઉઠાવ્યો છે કે શું આ ભાજપની અસલી વિચારધારા છે કે જેમાં દીકરીઓને હડધૂત કરવામાં આવે છે.
જોકે, આટલા વિરોધ છતાં બહાદુર સિંહ કોલીએ નમતું જોખવાને બદલે પોતાના નિવેદનનો વિચિત્ર બચાવ કર્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું કે, "આમાં કંઈ ખોટું નથી, આ તો અમારી બ્રજ ભાષાની શૈલી છે." તેમણે ફરી ભાર પૂર્વક કહ્યું કે સારું બજેટ એટલે દીકરાનો જન્મ અને લોકપ્રિય દેખાડો એટલે દીકરી. આ વિવાદ હવે વિધાનસભાની ચાર દીવાલોની બહાર નીકળીને રસ્તાઓ પર પહોંચ્યો છે, જ્યાં મહિલા સંગઠનો અને સામાજિક કાર્યકરો ભાજપ ધારાસભ્યના પછાત માનસિકતાવાળા નિવેદનનો સખત વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનનું રાજકારણ અત્યારે વિકાસના મુદ્દા છોડીને 'પુત્ર-પુત્રી'ના લિંગભેદમાં ફસાયું હોય તેવું લાગી રહ્યું છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
